કચ્છમાં છ હજાર જણને શંકાસ્પદ તાવ

ભુજ, તા. 19 : કચ્છમાં મેલેરિયાના ગત વર્ષે જાન્યુ.થી જુલાઈ સુધીમાં 307 કેસ નોંધાયા હતા. તેની સામે આ જ ગાળામાં ચાલુ સાલે પ્રમાણ ઘટી 104 દર્દી નોંધાયા છે, તો ફાલ્સીપેરમના 12 અને ડેન્ગ્યુના 9 દર્દી જણાયા છે. મહત્ત્વની બાબત એ સામે આવી છે કે, 16 લાખની આબાદીમાંથી 6 હજાર જણને શંકાસ્પદ તાવ હોવાનું ચિંતાજનક તારણ પણ આરોગ્ય તંત્રના જ સંશોધનમાં સામે આવ્યું છે. વરસાદી વહેતું પાણી જ્યાં અટકીને ભરાય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. જિલ્લા મલેરિયા વિભાગ દ્વારા મેલેરિયાના અટકાયતી પગલાં લેવા પાણી ભરેલા 11 લાખ પાત્ર તપાસાયા જેમાંથી 4600માં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરના લારવા જોવા મળ્યા હતા. તપાસાયેલા 11 લાખ પાત્ર પૈકી 4.70 લાખમાં લારવા મારવાની દવા એબેટ નાખી કામગીરી કરાઈ છે. તો બહારના ખાડામાં બળેલું ઓઈલ, બીટીઆઈ દવા છંટકાવ અને તળાવમાં પોરાભક્ષક માછલીઓ નખાઈ છે. કચ્છમાં ઘણીબધી જગ્યાએ, પ્રા.આ. કેન્દ્રો ખાતે હોજ બનાવી પોરાભક્ષક માછલી ઉછેરાય છે. પહેલી ઓગસ્ટથી અઢી મહિનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. એન્યુઅલ પેરેસાઈટ ઈન્ડેક્સ એટલે કે એક હજારની વસ્તીમાં એક કે વધારે મેલેરિયાના કેસ જોવા મળ્યા હોય તેવા ગામોને મેલેરિયા સંવેદનશીલ ગામ ગણીને ત્યાં સારવાર અને દવા છંટકાવની કામગીરી વિશેષરૂપે કરાય છે. જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ. ભટ્ટે વધુ વિગતો આપતા જણાવ્યું કે, કચ્છમાં આ વર્ષે વધારે મેલેરિયા કેસો નીકળ્યા તેવા તાલુકામાં ભચાઉ-28, અબડાસા-27, રાપર-19 અને ભુજ-16 મુખ્ય છે. આ વર્ષે કચ્છની 16 લાખની વસ્તીને તપાસમાં આવરી લેતાં તાવના 6 હજાર શંકાસ્પદ કેસ મળ્યા. તા. 5મી ઓગસ્ટથી 9મી સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના બે કેસમાં એક ગાંધીધામ અને એક લાખાપર (જંગી)માં ઉપરાંત મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. ભુજમાં જિલ્લા મેલેરિયા વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે એસટી વર્કશોપમાં પડેલા ટાયરોમાં ભરાયેલા પાણીમાં પોરાનાશક કામગીરી કરાઈ હતી. તેને પગલે એસ.ટી. તંત્ર દ્વારા ટાયરોને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાયા છે. આ કામગીરી દરેક તાલુકામાં એસ.ટી. દ્વારા કરવા નિર્ણય લેવાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer