ગાંધીધામમાં છાત્ર-છાત્રાના આપઘાતથી અરેરાટી

ગાંધીધામ, તા. 19 : શહેરના ગોપાલપુરી રેલવે મથક નજીક રેલવે પાટા ઉપર કોઇ ટ્રેનમાં ઝંપલાવીને કિડાણાના અશોકસિંઘ મોહનસિંઘ રાજપુરોહિત (ઉ.વ. 18) તથા મેઘપર બોરીચીમાં રહેનારી અંજલિ શ્રવણસિંઘ રાજપુરોહિત (ઉ. વ. 17)એ સજોડે આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી છે. સમગ્ર શહેર અને સંકુલમાં ભારે ચકચાર જગાવનારો આ બનાવ આજે બપોરે 12.30ના અરસામાં બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહેરની પી.એન. અમરશી શાળામાં ધો. 12માં અભ્યાસ કરનારી અંજલિ રાજપુરોહિત અને આનંદ માર્ગ શાળામાં ધો. 10માં અભ્યાસ કરનારા અશોક રાજપુરોહિત સવારથી જ નીકળી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થિની શાળાના યુનિફોર્મમાં જ અશોક સાથે એક્ટિવા પર બેઠી હતી અને બંને ચૂંગી નાકા બાજુ ગયા હતા. જ્યાં ચૂંગી નાકા પાસે  એક્ટિવા અને સ્કૂલ બેગ મૂકી આ બંને રેલવે પાટા ઉપર પગપાળા ચાલવા માંડયા હતા. દરમ્યાન બપોરના સમયે કોઇ ટ્રેન ત્યાંથી પસાર થતાં બંનેએ સજોડે તેમાં ઝંપલાવી દીધું હતું. યુવાનનું માથું અને ધડ અલગ થઇ જતાં તથા કિશોરીને પણ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં બંનેના કમકમાટીભર્યાં મોત થયાં હતાં. વિદ્યાર્થીઓના આવા આપઘાતના બનાવથી ભારે અરેરાટી પ્રસરી હતી. આ બંને એક જ સમાજના હોવાનું પોલીસે ઉમેર્યું હતું. તેમણે કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. દરમ્યાન, મોડી રાત્રે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિંદગીનો અંત આણતા પૂર્વે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ `વી આર ક્વિટ' (અમે જિંદગી છોડીએ છીએ) એટલું લખી નીચે પોતાની સહી કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer