નખત્રાણામાં ખાનગી બસની હડફેટે ખોંભડીનાં વૃદ્ધાનું મોત

ગાંધીધામ, તા. 19 : નખત્રાણામાં ખાનગી લકઝરી બસની હડફેટે ચડતાં મોટી ખોંભડીનાં મેઘાબેન લાલજી વાઘેલા (ઉ.વ. 65) નામના વૃદ્ધાનું મોત થયું હતું, તો અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ભુજ-અંજાર ધોરીમાર્ગ રેલડી ફાટક પાસે બાઇકની હડફેટે 50 વર્ષીય અજાણ્યા આધેડનું મોત થયું હતું. મોટી ખોંભડીમાં રહેતા મેઘાબેન વાઘેલા તથા ભારતીબેન મૂળજી પરમાર (ઉ.વ. 27) અને રિશિતા રાજેશ પરમાર (ઉ.વ. 4) આ ત્રણેય મોપેડ ઉપર સવાર થઇને જઇ રહ્યા હતા. દરમ્યાન આજે બપોરે 1.15ના અરસામાં તેમને હિમાલય નામની દુકાન સામે મનજી બાપાના વરંડા પાસે અકસ્માત નડયો હતો. પોલીસે વિગતો આપતાં  જણાવ્યું હતું કે, આ મોપેડ જઇ રહ્યું હતું તે સમયે મકરધ્વજ લખેલી ખાનગી લકઝરી બસ નંબર જી.જે. 12-ટી-4505એ તેમને હટફેટે લેતાં વૃદ્ધા પાછળના પૈડામાં આવી જતાં તેમનું મોત થયું હતું. જ્યારે ભારતીબેન અને રિશિતાબેન સારવાર અર્થે ખસેડાયા હતા. બીજો જીવલેણ બનાવ ભુજ- અંજાર ધોરીમાર્ગ ઉપર રેલડી ફાટક પાસે બન્યો હતો. 50 વર્ષીય અજાણ્યા આધેડ નંબર વગરની બાઇકની હડફેટે ચડતાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. જ્યારે બાઇક ચાલક શૈલેશ મેઘા રાવલને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer