ભુજમાં યુવાન પોલીસકર્મીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ગાંધીધામ, તા. 19 : ભુજના 36 કવાર્ટર પોલીસ લાઇનમાં રહેતા અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં એમ.ટી. વિભાગમાં ફરજ બજાવતા અશ્વિનસિંહ ભીખાજી રાઠોડ (ઉ.વ. 28) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં છેલ્લા પાંચેક વર્ષથી લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ નામના યુવાને આજે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન 36 કવાર્ટર પોલીસ લાઇન મકાન નંબર બી-31માં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાન હેડ કવાર્ટરમાં એમ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલાં જ આ યુવાનના લગ્ન થયા હતા પરંતુ તે અહીં એકલો જ રહેતો હતો. આજે સવારે અગમ્ય કારણોસર તેણે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. કામકાજના ભારણનાં પગલે આ યુવાને અંતિમ પગલું ભર્યું છે કે કેમ તેવા પ્રશ્ના જવાબમાં આ બનાવના તપાસકર્તા પી.એસ.આઇ. ટી.એચ. પટેલે આવું કાંઇ ન હોવાનું કહ્યું હતું અને કોઇ પારિવારિક સમસ્યા હોવાની શક્યતાનાં પગલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. પોલીસ વિભાગના યુવાનના આપઘાતથી પોલીસ બેડામાં અરેરાટી ફેલાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer