કચ્છમાં પ્રાથમિક શાળાના વિલીનીકરણનો સરકારનો અખતરો ખતરારૂપ બનવા ભય

ભુજ, તા. 19 : રાઈટ ટુ એજ્યુ. એક્ટ 2009 સંસદમાં પસાર થયા બાદ પ્રા. શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા ફેરફારો થયા. જેમાં કેટલાક ફળદાયી તો કેટલાક ખતરાથી ભરપૂર અખતરાઓ. આમાંની કેટલીક જોગવાઈઓ સામે પ્રશ્નાર્થ ઊઠી રહ્યા છે.  શિક્ષણ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા અનુસાર દા.ત. 1થી 8માં કોઈને નાપાસ ન કરવા. જો કે તેમાં હવે સરકારને આંશિક સુધારો કરવાની ફરજ પડી છે, પણ આર.ટી.ઈ.ના નામે હાલ જે છે તે શાળાઓ મર્જ થશે. જેમાં ધો. 1થી 5ની શાળા એક કિ.મી. ત્રિજ્યામાં હોય તો 100થી ઓછી સંખ્યાવાળી શાળા મર્જ કરવી અને ધો. 6થી 8 માટે અંતરનું માપદંડ ત્રણ કિ.મી. રાખવામાં આવ્યું છે. પરંતુ અહીં કચ્છની વિષમ અને વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર જરૂર કરવો પડે. શાળા બંધ કરવી એ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે તેવું કદમ છે. આર.ટી.ઈ.ના અંચળા હેઠળ આડેધડ શાળાઓ બંધ કરી ક્યાંક કચ્છના બાળકોના ભવિષ્યને અંધકારમાં ન ધકેલી દેવાય તેવો ભય વ્યક્ત થઇ રહ્યો છે. સરકાર પક્ષે એવો લૂલો બચાવ છે કે નજીકની શાળામાં અભ્યાસ અર્થે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવશે. પણ આમાં દશ વાગ્યે ઘરેથી નીકળેલા માસૂમ બાળક છ વાગ્યે ઘરે આવે - બહારગામનું અજાણ્યું વાતાવરણ-સલામતીના પ્રશ્નો, બપોરે ગરમ પૌષ્ટિક ઘરના ભોજનથી વંચિતતા વગેરે ઘણા પ્રશ્નો ઊભા થાય તેમ છે. આર.ટી.ઈ.ની જોગવાઈ મુજબ ગમે તેટલા બાળકો હોય પણ ધો. 1થી 5ની શાળા માટે બાળકોને 1 કિ.મી.થી વધુ અંતર અને 6થી 8 ધોરણના અભ્યાસ માટે 3 કિ.મી.થી વધુ અંતર ન જ હોવું જોઈએ. વળી જોગવાઈ મુજબ ગામ ગમે તેટલું નાનું હોય શાળામાં સંખ્યા ગમે તેટલી ઓછી હોય તો પણ રેવન્યુ ગામની શાળા બંધ ન કરી શકાય. વળી કચ્છમાં શાળાઓમાં દાન દ્વારા લોકભાગીદારીની ઉજળી પરંપરા સદીઓથી વિદ્યમાન છે. શાળા બંધ થતાં દાતાએ આપેલા દાન અને તેની ભાવનાનું શું ? તેવું વર્તુળોએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer