મુંબઈ અને કંડલા બંદરની જમીનોમાં ઘણો તફાવત હોવાથી એક જ નીતિ બનાવવી અશકય

ગાંધીધામ, તા. 19 : કેન્દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા ગાંધીધામ સંકુલની જમીન નીતિ મુંબઈ પોર્ટની રહેણાકની નીતિના આધારે બનાવવાની ચાલતી પેરવી સામે દીનદયાલ પોર્ટના લેબર ટ્રસ્ટીઓએ પોર્ટ અધ્યક્ષને પત્ર પાઠવી વિરોધ વ્યકત કર્યો છે.  લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી અને એલ. સત્યનારાયણે ચેરમેનને પાઠવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે મુંબઈ પોર્ટ, કંડલા પોર્ટ અને દીન દયાલ પોર્ટ હસ્તકના રહેણાક વિસ્તારોની જમીન નીતિ  શિપિંગ મંત્રાલય દ્વારા મુંબઈની પોલિસીના આધારે બનાવવાની હિલચાલ કરવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.  આ બાબતે લેબર ટ્રસ્ટીઓએ વિરોધનો સૂર વ્યકત કરતાં જણાવ્યું હતું કે ગાંધીધામ  ટાઉનશિપ મુંબઈની સરખામણીએ તદન ભિન્ન છે. સંકુલની તમામ જમીનોનું સંચાલન ડીપીટી દ્વારા કરવામાં આવે છે. મોટા ભાગની જમીનો વિવિધ હેતુ માટે લીઝ ઉપર જ છે. માસ્ટર પ્લાન ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ બનાવ્યો છે. પોર્ટ દ્વારા આંતરિક  માર્ગો ગટરલાઈન પાણી વિતરણ સહિતની  કામગીરી કરાતી હતી, જેનું સંચાલન હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે સંકુલની લીઝ હોલ્ડ જમીનોને ફ્રી હોલ્ડમાં પરિવર્તિત કરવા નિર્ણય લીધો છે. જે પૈકી  કેટલાક પ્લોટો ફ્રી હોલ્ડમાં પરિવર્તિત પણ થઈ ગયા છે. ગાંધીધામમાં ડીપીટી ટ્રાન્સફર, મોર્ગેજ ફી  અને ગ્રાઉન્ડ રેન્ટ વસૂલે છે. આ રીતે જોઈએ તો મુંબઈ અને ગાંધીધામની પોલિસીની કોઈપણ રીતે સરખામણી થઈ શકે નહીં. તદ ઉપરાંત ગાંધીધામમાં ડીપીટી સિવાય રાજ્ય સરકાર, સત્તામંડળ કે નગરપાલિકા પાસે પોતાની માલિકીની એક ઈંચ પણ જમીન નથી. આ બાબત પણ મુંબઈ કરતાં અલગ છે. ડીપીટીએ એસ.આર.સી.ને 2600 એકર જમીન ફાળવી હતી. એસ.આર.સી. દ્વારા વિવિધ હેતુ માટે શેરધારકોને પ્લોટ ફાળવાયા હતા. એસ.આર. સી.ની જમીનો ઉપર પણ પોર્ટ દ્વારા ટ્રાન્સફર, મોર્ગેજ ફી વસૂલવામાં આવે છે. પોર્ટ પ્રશાસન દ્વારા અગાઉ ટાઉનશિપની નીતિ બનાવાઈ ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં લીધી હતી.  પોર્ટ દ્વારા અગાઉ કર્મચારીઓ માટે ખાસ યોજના બહાર પાડી રહેણાક માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. હવે બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્લોટ ફાળવવાની માંગ ઊઠી ત્યારે બોર્ડે જમીનનીતિ તૈયાર કરી મંજૂરી માટે મંત્રાલયમાં મૂકી હતી.  પરંતુ હજુ સુધી આ પોલિસી મંજૂર થઈ નથી.  શિપિંગ મંત્રીએ અગાઉ આ પોલિસી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્લોટ ફાળવવાની વિશેષ યોજના સાથેની  પોલિસીને મંજૂરી આપવા પત્રમાં ભારપૂર્વકની માંગ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer