ભચાઉ-સામખિયાળી રેલવે સ્ટેશને લિફ્ટ લાગશે

ભચાઉ-સામખિયાળી રેલવે સ્ટેશને લિફ્ટ લાગશે
કનૈયાલાલ જોશી દ્વારા-
મુંબઈ, તા. 17 : પશ્ચિમ રેલવેના સામખિયાળી અને ભચાઉ રેલવે સ્ટેશને લિફ્ટની સુવિધા તુરંતમાં પ્રાપ્ત થશે. કચ્છ પ્રવાસી સંઘ અને વાગડ વીશા ઓસવાળ ચોવીસી મહાજનના પ્રયાસોને સફળતા મળી છે.  આ બાબતે કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહે `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, દાદર સ્ટેશને બે વર્ષ પહેલાં જયાબેન વિશનજી મારૂના સૌજન્યથી સ્ટીલ બેન્ચના ઉદ્ઘાટન પ્રસંગે નાગજી કેશવજી રીટાએ સામખિયાળી અને ભચાઉ સ્ટેશને લિફ્ટ બેસાડવા અનુરોધ કર્યો હતો. જે માટે ખર્ચની બાંહેધરી આપી હતી. કચ્છ પ્રવાસી સંઘે આ બાબત જરૂરી પરવાનગી મેળવી આપવાની ખાતરી આપી હતી. શ્યામભાઈ શાહના નેજા હેઠળ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ. કે. ગુપ્તા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. રેલવે તરફથી મંજૂરીપત્ર સાથે રૂા. 3 કરોડ 14 લાખ રૂા. જમા કરાવવાનો નિર્દેશ આવ્યો હતો. સંસ્થાએ તેનો સ્પષ્ટ વિરોધ કરીને અમે રેલવેના નિયમોને  આધીન બન્ને સ્ટેશને લિફ્ટ અમારા ખર્ચે બેસાડશું પરંતુ રકમ ડિપોઝિટ તરીકે જમા નહીં કરાવીએ. પ્રવાસી સંઘ અને ચોવીસી મહાજનના પ્રતિનિધિઓ જનરલ મેનેજરને મળ્યા અને સામખિયાળી સ્ટેશને ટ્રાફિક વધુ હોવાથી લિફ્ટ રેલવે તંત્રે લગાવી આપવા જણાવ્યું હતું. આ દરમ્યાન, સામખિયાળી સ્ટેશને લિફ્ટ લગાવવા બાબત રજૂઆત થઈ હતી. આ પ્રક્રિયામાં બે વર્ષ નીકળી ગયા હતા. આખરે સામખિયાળી સ્ટેશને લિફ્ટ બેસાડવાની જવાબદારી રેલવે તંત્રે સ્વીકારી હતી, જ્યારે ભચાઉ સ્ટેશને ચોવીસી મહાજન લિફ્ટ બાંધશે. કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહ, કમિટી મેમ્બર ચંદ્રેશ ચંદ્રકાંત શાહ તથા વાગડ વીશા ઓસવાળ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજી કેશવજી રીટા, કન્વીનર તલકશીભાઈ નંદુ, કમિટી મેમ્બર અરવિંદ સાવલા, તા. 14/8ના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દીપક ઝા, સિનિયર ડીસીએમ કુશાગ્ર મિત્તલ, સિનિયર ડીઈએન અંકિત ગુપ્તા, સિનિયર ડીઈઈ કે. એસ. પોરવાલ સાથે સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. નાગજીભાઈએ બન્ને સ્ટેશને વિવિધ સુવિધાઓ માટે સૌજન્ય કરી આપવાની ઈચ્છા દર્શાવી હતી. મિટિંગમાં ભચાઉ સ્ટેશને લિફ્ટ, અમુક ભાગમાં શેડ તથા સામખિયાળી સ્ટેશને અમુક ભાગમાં શેડ અને વેઈટિંગ રૂમના નૂતનીકરણ બાબત કરાર થયા હતા. સમગ્ર કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સાથે બન્ને સ્ટેશને ઈન્ડીકેટર, એનાઉન્સમેન્ટની વ્યવસ્થા તાત્કાલિક ચાલુ કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer