કુડા આઉટ પોસ્ટ ખાતે સીમાસુરક્ષાને લઈને સુરક્ષાદળોની બેઠક યોજાઈ

કુડા આઉટ પોસ્ટ ખાતે સીમાસુરક્ષાને લઈને સુરક્ષાદળોની બેઠક યોજાઈ
ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના બાલાસર પોલીસ મથક દ્વારા આજે સીમાસુરક્ષા દળ સાથે બેઠક  યોજી સરહદી વિસ્તારની સુરક્ષા- સલામતી બાબતે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા, પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડની સૂચનાથી આ સંકલન બેઠકનું સીમાસુરક્ષા  દળની કુડા બોર્ડર આઉટ પોસ્ટ ખાતે આયોજન કરાયું હતું. ભારત સરકાર  દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સરહદ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે કચ્છની પાકિસ્તાનને અડીને આવેલી સરહદની સુરક્ષા અંગે પોલીસ અને બી.એસ.એફ.ના  અધિકારીઓએ  આ સંયુકત બેઠકમાં ચર્ચા કરી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શંકાસ્પદ ઈસમોની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવા અને  સરહદ પારની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવા ચર્ચા કરાઈ હતી. અગત્યના ઈનપુટ બાબતે તમામ સુરક્ષા એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી માહિતીની આપલે કરે જેથી તેના ઉપર કાર્યવાહી કરી શકાય. સરહદી ગામડાઓમાં પ્રજાજનોનો સરહદ સુરક્ષા માટે કઈ રીતે સહયોગ મેળવી શકાય અને પેટ્રોલિંગ બાબતે તેમજ સરહદ સુરક્ષા અને  સલામતીની અન્ય બાબતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભચાઉ ડીવાય. એસ.પી કે.જી. ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં બી.એસ.એફ.ના આર.કે. શર્મા, એલ.આઈ.બી. પી.આઈ. વી.પી. જાડેજા, બાલાસર પી.એસ.આઈ.  આર.ડી. ગોજિયા,  ખડીર પી.એસ.આઈ. એમ.એસ. પરમાર વગેરે હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer