આંખમાં જીભ ફેરવવા માત્રથી નંબર ઊતરી શકે ખરા ?

આંખમાં જીભ ફેરવવા માત્રથી નંબર ઊતરી શકે ખરા ?
સી. કે. પટેલ દ્વારા-
નખત્રાણા, તા. 17 : બલદવા, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી 57 કિ.મી. અને નેત્રંગથી માત્ર આઠ કિ.મી.ના અંતરે આવેલું 1500ની વસ્તી ધરાવતું બલદવા ગામ આજકાલ કચ્છીઓની `આસ્થા'નું નવું કેન્દ્ર બની રહ્યું છે. આંખમાં જીભ ફેરવી આંખના નંબર ઉતારવાની અજીબોગરીબ સારવાર અહીં થઇ રહી છે, પણ સાવધાન... વિજ્ઞાન કહે છે આવું થઇ ન શકે. આંખના નંબર ઉતારવા માટે કચ્છ સહિત ગુજરાતભરમાંથી કચ્છીઓ પોતાના 12 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને લઇ બલદવા પહોંચી રહ્યા છે. દર મહિનાની અજવાળી બીજના `અલખ આનંદધામ' તરીકે ઓળખાતી આ જગ્યાએ લોકોની ભીડ ઊમટી રહી છે. આ અલખ આનંદધામમાં આવેલા રામાપીરના ધૂણાના નામે પૂજારી કે મહંત મનુબાપા બાળકોની નજર (આંખના નંબર) ઉતારવાનું `ભગીરથ' કાર્ય સેવાભાવે કરી રહ્યા છે, જેનો લાભ લેવા માટે કચ્છના લોકો (મોટાભાગે પાટીદારો) બલદવા તરફ રીતસર દોટ જ લગાવી રહ્યા છે. અહીં આવનારા દર્દીને કુલ્લ ત્રણ અજવાળી બીજ ભરવી ફરજિયાત છે. આંખના નંબર ઉતારવાની મનુબાપાની પદ્ધતિ પણ જરા હટકે છે. સૌપ્રથમ દર્દીઓની આંખમાં લીલા ધાણાનો રસ અને ગુલાબજળમાંથી બનાવેલાં ટીપાં નાખવામાં આવે છે. ત્યારબાદ મનુબાપા દર્દીની બંને આંખમાં પોતાની જીભ ફેરવી નંબર ઉતારવાની વિધિ કરે છે. આ વિધિ પૂર્ણ થયા પછી બાળકને ચશ્માં નહીં પહેરવા જણાવવામાં આવે છે. કહેવાય છે કે, અહીંના પૂજારી મનુબાપાને ખુદ `રામાપીર બાબા' હેરે આવે છે અને તેઓ ધૂણે છે ! રાત્રે રામાપીરનો પાઠ શરૂ થાય છે અને જ્યોતિ ચાલે ત્યાં સુધી ભજન-કીર્તન ચાલુ રહે છે. આંખના નંબર ઉતરાવનારે આ જ્યોતનાં દર્શન કર્યા પછી જ ત્યાંથી વિદાય લેવાની હોય છે. આંખના દર્દીઓ ઉપરાંત પોતાના દુ:ખ-સમસ્યામાંથી છૂટકારો મેળવવા માગતા લોકો દ્વારા પૂછપરછની રસમ પણ ધીરે-ધીરે અહીં શરૂ થઇ ગઇ છે. કચ્છમાં આણંદસર (વિથોણ)ના અને હાલે અંકલેશ્વર રહેતા નરેન્દ્રભાઇ ભગત પણસોરાવાળા આ પ્રવૃત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને આર્થિક સહયોગ પણ કરે છે. તેમના જણાવ્યા મુજબ લોકો શ્રદ્ધાથી અહીં આવે છે અને ફર્ક પડે છે. કોઇ કેસમાં ફર્ક નહીં પણ પડતો હોય... એમ તો ડોક્ટરો પાસે પણ ક્યાં બધા કેસ સફળ થાય છે. ભુજના જાણીતા આંખના સર્જન ડો. મગન પટેલને બલદવા  સંદર્ભે પૂછતાં તેમણે સ્પષ્ટ જણાવેલું કે આ રીતે આંખના નંબર ઉતારવા શક્ય જ નથી. આંખમાં જીભ ફેરવી નંબર ઉતારવાની વિધિ કરવી એ અંધશ્રદ્ધાળુ લોકોને ભરમાવવાથી વિશેષ કંઇ જ નથી. ડો. મગન પટેલ આંખના બાળદર્દીઓ વિશે એવી પણ જાણકારી આપે છે કે સામાન્ય રીતે 10માંથી સાત બાળકોને આંખના પ્લસ નંબર હોય છે. જે 12, 13 વર્ષ પછી આપોઆપ ઊતરી પણ જતા હોય છે. મેડિકલ સાયન્સની આ હકીકતનો ગેરલાભ ઉઠાવી ઘણા લોકો આવા તિકડમ ચલાવતા હોય છે, જેનાથી લોકોએ બચતા રહેવું જોઇએ. બલદવામાં ત્રણ-ત્રણ અજવાળી બીજ ભરવા પાછળ આર્થિક રીતે પણ લોકોને મોટો ધૂંબો લાગી રહ્યો છે, છતાં અંધશ્રદ્ધાથી દોરવાઇને પાગલપનની હદે લોકો આ દુષ્કર્મમાં ફસાઇ રહ્યા છે. `ચમત્કાર'ની વાતોને ફેલાવવા માટે કોઇ જાહેરાતની પણ જરૂર પડતી નથી. બલદવા જે લોકો જઇ આવ્યા હોય તેમાંથી `ફર્ક' તો જે પડયો હોય પણ પોતે મૂરખમાં ન ખપી જાય તે માટે તે વાતો જ એવી કરે છે કે સગાં-સંબંધી, ઓળખીતા લોકોને પણ એકવાર બલદવાનો ધક્કો ખવડાવીને જ જંપે છે ! લોકો પણ ત્રણ બીજ ભરવાથી પોતાનાં બાળકોનાં ચશ્માના નંબર ઊતરી જતા હોય તો ખોટું શું છે તેમ વિચારી હાલ તો બધા પોતે પાછળ ન રહી જાય તે માટે બલદવાના જાપ જપી રહ્યા છે. નખત્રાણા વિસ્તારમાંથી તો એટલા બધા લોકો જાય છે કે ક્યારેક તો ખાસ લકઝરી બસ દોડાવવી પડે છે !કચ્છીઓનું એક નવતર `મેડિકલ ટૂરિઝમ' શરૂ થઇ ચૂક્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer