ભુજની નૂતન સોસાયટીમાં પાણીના ટાંકાઓ દૂષિત પાણીથી ગંધાઇ ઊઠયા

ભુજની નૂતન સોસાયટીમાં પાણીના ટાંકાઓ દૂષિત પાણીથી ગંધાઇ ઊઠયા
ભુજ, તા. 17 : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, સંતોષી માતા મંદિર વિસ્તારને સ્પર્શતી નૂતન સોસાયટીમાં છેલ્લા ત્રણેક દિવસથી પીવાનાં પાણીની મુખ્ય લાઇન સાથે ગટરની લાઇન જોડાઇ ગઇ?હોય તેમ આખી સોસાયટીનાં પાણીના ટાંકા ગટરથી ભરાઇ ગયા છે. સુધરાઇ અધ્યક્ષા સહિતનાનું ધ્યાન દોરવા છતાં આ દિશામાં કોઇ જ કાર્યવાહી ન થતાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. નૂતન સોસાયટીના રહેવાસીઓના જણાવ્યાનુસાર પાણીના નળ વાટે ગંદું વાસ મારતું પાણી આવે છે, એટલું જ નહીં, જેમણે પાણીના ટાંકાના નળ ખુલ્લા રાખ્યા હતા તેમના ટાંકા પણ આ દુર્ગંધયુક્ત પાણીથી ગંધાઇ ઊઠયા અને રોગચાળાનો ભય સર્જાયો છે. નાગરિકોના જણાવ્યાનુસાર નગરપાલિકામાં આ અંગે ફરિયાદ કરતાં કોઇ યોગ્ય જવાબ આપતું ન હોવાથી અંતે નગર અધ્યક્ષાનું ધ્યાન દોર્યું તો ટીમ મોકલવાની ખાતરી મળી પણ ટીમ આવી નહીં. સંતોષી માતાજીના મંદિર પાસેની મોટી લાઇનમાં કામ ચાલતું હોવાથી આ પીડાનું તાકીદે નિરાકરણ થતું નથી. અમુક ઘરોમાં તાવ-ઊલટી-ઝાડા પણ દેખા દઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ નગરપતિ અશોક હાથીએ રસ લઇને આ પ્રકરણે દોડધામ કરી પણ ક્યાંયથી દાદ ન મળતાં હવે રહેવાસીઓએ `અપના હાથ જગન્નાથ' જાતે જ કામ શરૂ?કર્યાં છે. મજૂરો રોકીને પણ સફાઇ હાથ ધરાઇ?છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer