અબડાસા તા.પં.ના રૂા. 2.11 કરોડના નવા ભવનનું લોકાર્પણ

અબડાસા તા.પં.ના રૂા. 2.11 કરોડના નવા ભવનનું લોકાર્પણ
નલિયા, તા. 17 : અહીં અબડાસા તાલુકા પંચાયત કચેરીના રૂા. 2.11 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના પુરવઠા વિભાગના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ છેવાડાના વિસ્તાર સુધી વિકાસકામો શરૂ કરવા સરકાર કયાંય પીછહઠ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ધરતીકંપ બાદ મોટા ભાગની સરકારી ઓફિસોનું નવનિર્માણ થઇ ચૂકયું છે પરંતુ અબડાસાના અનેક ગામોમાં વિકાસકામોનો વહીવટ જે સ્થળેથી ચાલે છે એ જ તાલુકા પંચાયતની કચેરી અત્યંત જર્જરિત હાલતમાં હતી. વિવિધ સ્તરેથી વારંવાર કરાયેલી રજૂઆત બાદ સરકારે નાણાં ફાળવતાં તૈયાર થયેલા અદ્યતન ભવનનું રાજ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું તકતીનું અનાવરણ કરી તેમણે બાકી રહેતા તમામ કામો પૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી. ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ પણ કહ્યું કે કચ્છમાં તમામ સ્થળે હવે મોટા ભાગની સરકારી ઇમારતો નવી બની ગઇ છે. સારા સ્થળે બેસીને વહીવટ ચલાવનારા પણ સારા વિચારો સાથે હકારાત્મક બનતા હોય છે આ પાછળનું કારણ એ છે જ્યાં બેઠા હો છો ત્યાં એક હકારાત્મક ઊર્જા મળતી હોય છે, તેવું આગેવાનોએ જણાવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ અજબાઇ ગોરડિયા, ઉપપ્રમુખ હકૂમતસિંહ જાડેજાએ નિર્માણ અંગેની વિગતો આપી મંત્રી તથા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તાલુકા પંચાયતની ટીમના સભ્યો જયદીપસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા, મામદ સંઘાર, કિશોરસિંહ જાડેજા, સરપંચ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, આગેવાનો ઇન્દ્રજિતસિંહ જાડેજા, અનુભા જાડેજા, પરેશ ભાનુશાલી, ગ્રામ પંચાયતના સરપંચો, કચ્છના કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. કારોબારી ચેરમેન મહેશોજી સોઢાએ આભાર માન્યો હતો. દરમ્યાન નલિયા ગ્રામ પંચાયતની નવી બનેલી કચેરીનું પણ રાજ્યમંત્રી શ્રી જાડેજાએ મહેમાનોની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ રેખાબા રવુભા જાડેજાએ સૌનું સ્વાગત કરી વિગતો આપી હતી. ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer