યુવાનોની તસવીરકળા ઉજાગર થશે

યુવાનોની તસવીરકળા ઉજાગર થશે
ગાંધીધામ, તા. 17 : સેવાકીય કાર્યો કરતી રોટરી કલબની મહિલા પાંખ ઈન્નરવ્હીલ કલબ દ્વારા સતત બીજા વર્ષે મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી આયોજિત ત્રણ દિવસીય તસવીર સ્પર્ધા અને પ્રદર્શનનો આજથી આરંભ થયો હતો. આ સ્પર્ધામાં કચ્છના તસવીરકારોએ ઉમળકાભેર ભાગ લીધો છે. ગાંધીધામમાં રોટરી હોલ ખાતે આયોજિત આ પ્રદર્શનનું અમન મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્પર્ધાને ખુલ્લી મૂકતાં તેમણે ઈન્નરવ્હીલ કલબના આ આયોજનને બિરદાવી આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને પોતાની કળાને ઉજાગર કરવાનું મહત્ત્વનું માધ્યમ આપવાનું કાર્ય કલબ દ્વારા કરાતું હોવાની લાગણી  વ્યકત કરી હતી.  `કચ્છમિત્ર' ગાંધીધામ બ્યૂરોના વડા અદ્વૈતભાઈ અંજારિયાએ તસવીરને તસવીર સાથે સરખાવવા અને તેને કોઈ વિસ્તાર પૂરતી સીમિત ન ગણવા અનુરોધ કર્યો હતો. સૌના સહકારથી આ આયોજન ભવિષ્યમાં ચોક્કસ આગળ વધશે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. કાર્યક્રમની સહયોગી સંસ્થા ધી ફોટોગ્રાફર ટ્રાઈબના સંયાજક રાજેશ લાલવાણીએ સંસ્થાનો પરિચય આપી આ પ્રકારના આયોજન માટે પૂરતા સહયોગની ખાતરી આપી હતી. આરંભમાં ઈન્નરવ્હીલ કલબના પ્રમુખ નીતા નિહાલાણીએ પ્રાસંગિક વકતવ્યમાં સૌ મહેમાનોને આવકાર્યા હતાં.  પ્રોજેકટ ચેરમેન ભૈરવી જૈને સ્પર્ધાના આયોજન અને હેતુ અંગે સમજ આપી હતી. આ સ્પર્ધાને સારો પ્રતિભાવ મળ્યો હોવાનું જણાવી સમગ્ર કચ્છના તસવીરકારોએ ભાગ લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું.  કુલ 35 જેટલા તસવીરકારોની  `મમતા'  ઉપર આધારિત તસવીરો  પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન રોટરી હોલ ખાતે આવતીકાલે રવિવારે સવારે 10થી 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. સોમવારે સવારે 11.30 વાગ્યે વિજેતા તસવીરની જાહેરાત કરાશે અને ઈનામ વિતરણ અને સમાપન સમારોહ યોજાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer