અંજાર તા.માં 1400 પરિવાર મકાનવિહોણા

અંજાર તા.માં 1400 પરિવાર મકાનવિહોણા
અંજાર, તા. 17 : તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને મળી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતી અગવડ દૂર કરવા તાલુકાનાં 56 ગામના લોકોને આવક-જાવકના દાખલાની સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે આ કામગીરી પંચાયત કચેરીમાં પ્રારંભ કરવાનો મહત્ત્વનો ઠરાવ કરાયો હતો. સામાન્ય સભામાં કોંગ્રેસના અગ્રણી અરજણભાઈ ખાટરિયા, શામજીભાઈ આહીર દ્વારા તાલુકામાં કથળેલી શિક્ષણ વ્યવસ્થા, તલાટીની ઘટ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરોની પ્રેક્ટિસ ચાલુ હોવા છતાં હેલ્થ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાની, પવનચક્કીઓનાં કારણે પર્યાવરણને થતી નુકસાની  તેમજ વૃક્ષોના કરાતા છેદની   સામે 1 વૃક્ષ સામે 10 વૃક્ષો ઉછેરવાની જવાબદારી કંપની પર લાગુ કરવાની રજૂઆત કરાઈ હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાતા ગેરકાયદેસર બાંધકામની તપાસ કરી શરત ભંગના કેસ દાખલ કરવાની ખાતરી અપાઈ હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1400ની મકાનવિહોણાની યાદીમાં 43 મકાનો માત્ર પૂરા થયા છે. તેવી જ રીતે તાલુકાના 56 ગામોમાં માત્ર 21 ગામોમાં આકારણીની કામગીરી કરાઈ છે. તેમજ તાલુકાના વિકસિત ગામોમાં થતા દબાણોની ફરિયાદ સામે કડક કામગીરી કરવાની માગણીઓ સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ હતી. તાલુકાની અંજાર સીમના તલાટીની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક પૂરવા, મંત્રીની જગ્યા પૂરવાની માંગ વિપક્ષે ઉઠાવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઊભેલા મોબાઈલ ટાવર, પવનચક્કીઓ પર મિલકત વેરા, ટેક્સ, ભાડાંની રકમ વસૂલ કરી પંચાયતને અપાય તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં   અનેક વિકાસના કામો સરળતાથી થઈ શકે. તાલુકાના ખંભરા ગ્રામ પંચાયતમાંથી મારીંગણા ગામને અલગ કરવાનો ઠરાવ કરાયો હતો. જળસંચય અભિયાનને વધુ વેગ આપી વરસાદી પાણીનો સંગ્રહ કરવા, જમીનમાં ઉતારવાની કામગીરીને અગ્રતા આપવા તેમજ વરસાદમાં નુકસાન પામેલા રસ્તા તાત્કાલિક રિપેરિંગ કરવા અને વરસાદમાં મૃત્યુ પામેલા પશુઓની વળતરની રકમ ચૂકવવા, ખેતીની જમીનના ધોવાણ, પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવી વળતર ચૂકવવાની માગણી ઊઠી હતી. સામાન્ય સભામાં આઈ.એસ. તાલીમી અધિકારી અર્પણા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન દાસ, ચેરમેન બાબુભાઈ મરંડ, મંજુલાબેન પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, દેવજીભાઈ સોરઠિયા, શ્રેયાબા સરવૈયા, મેસીબેન ચાવડા, બબીબેન ભીલ, બબાભાઈ બાલાસરા, ભગુભાઈ વરચંદ, રમેશભાઈ ડાંગર, લક્ષ્મીબેન ડાંગર, નૂરમામદ ગાધ, રાંભઈબેન ઝરુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી એ.જી. દેસાઈ, આરોગ્ય ઓફિસર રાજીવ અંજારિયા, પી.સી. દોરિયા, નાયબ કાર્યપાલક વી.એન. ગામેટી, પી.એચ. કામોઠી, એન.કે. શ્રીમાળી, ટી.એ. ગોસ્વામી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં ગેરહાજર રહેતા અધિકારીઓને ઉપસ્થિત રહેવા તાકીદ કરવાનું નક્કી   થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer