કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના શામજી દાદા બ્રહ્મલીન થતાં અંજલિ અપાઇ

કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના શામજી દાદા બ્રહ્મલીન થતાં અંજલિ અપાઇ
નખત્રાણા, તા. 17 : ભુજ તાલુકાનાં આણંદસર, માજીરાઈ તેમજ દેશલપર (વાંઢાય) વચ્ચે હાઈવે-માર્ગ પરની દાદા-દાદીની વાડીના સ્થાપક તેમજ કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના શામજી દાદા બ્રહ્મલીન થતાં ગત રવિવારે દાદા-દાદીની વાડી ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંતો-મહંતો, ભાવિકો તેમજ સતપંથ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શામજી દાદાનો ગુણાનુવાદ કરતાં સતપંથ સમાજના અગ્રણીઓ દાનાભાઈ ગોરાણી, અરજણભાઈ ભગત, હીરાભાઈ ભીમાણી, બાબુભાઈ રૂડાણીએ કહ્યું હતું કે દાદાનું મૂળ ગામ આણંદસર, પરંતુ વર્ષોથી સાબરકાંઠાના વડા ગામે ધંધાર્થે સ્થાયી થયા હતા. સતપંથ સમાજમાં સામાજિક સંગઠન સાથે તેમણે બાળ-બાલિકાઓ માટે અનેક સુસંસ્કાર શિબિરોનું આયોજન કરી બાળકોમાં સંસ્કારોના સિંચન સાથે, ધાર્મિક સેવાકાર્યો, સામાજિક સમરસતા કાર્યા, સામાજિક ઉત્થાન માટે દાદાના સંકલ્પ સાથે તેમના પુત્રોએ દાદા-દાદીની વાડી ખાતે કાયમી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. દાદા-દાદીની વાડીનું નિર્માણ આધ્યાત્મિક સ્થળનું નિર્માણ છે. અહીં આવનાર દરેક વ્યક્તિને બે ઘડી મનની શાંતિ સાથે આનંદ મળે છે. સતપંથ સમાજને તેમની ખોટ સાલશે તેવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જયંતીભાઈ ભાવાણી, રવિલાલભાઈ ગોરાણી, મણિભાઈ ભાવાણી સહિત પાસેના કાનપર, કુવાથડા તેમજ આણંદસર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ષોડશી નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer