કચ્છમાં વરસાદજન્ય બીમારીમાં ઉછાળો

ભુજ, તા. 17 : કચ્છમાં વરસાદ બાદ રહેતા વાદળિયા હવામાનને પગલે ખાબોચિયા ભરાઈ રહેતાં અને ગંદકીવાળા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં કેટલાક વિસ્તારોમાં તાવના દર્દી વધી રહ્યા છે. તો બીજીબાજુ દૂષિત પાણીના વપરાશથી ઝાડા-ઉલટીના દર્દીઓમાં પણ ઉછાળો નોંધાઈ રહ્યો છે. ભુજના વરિષ્ઠ ફિઝિશિયન ડો. પી.એન. આચાર્યે જણાવ્યું કે, પાલર પાણીનો પીવામાં ઉપયોગ કરાય છે તેવા વિસ્તારોના લોકો બીમારીની ઝપટમાં આવી જાય છે. અબડાસામાં વધારે તો નખત્રાણા અને રાપર વિસ્તારમાંથી બીમારી દેખાય છે. ભુજના ડો. રામ ગઢવીએ પણ જણાવ્યું કે, અઠવાડિયાથી તડકો ન નીકળતાં રાબેતા મુજબના દર્દીઓમાં 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જેનું મુખ્યત્વે કારણ પાણીજન્ય ગણાવી શકાય. ભુજની લેવા પટેલ હોસ્પિટલના ડો. આશિષ માકડિયાએ પણ ઋતુજન્ય બીમારીવાળા દર્દીઓની સંખ્યા વધી હોવાનું જણાવ્યું હતું. સિવિલ સર્જન ડો. કશ્યપભાઈ બૂચે જણાવ્યું હતું, છેલ્લા અઠવાડિયાથી સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગો જેવા કે ટાઈફોઈડ, ઝાડા-ઉલટી, કમળો, શરદી-ઉધરસ, ફ્લુ પ્રકારના તાવ, પેટના રોગમાં ઉછાળો જોવા મળે છે. જ્યારે મચ્છરો વધતાં મેલેરિયા અને ડેન્ગ્યુ તાવની શક્યતા રહેલી છે. જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રી. ડો. ભાદરકાએ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી તાવ અને ઝાડા-ઉલટીના બહારી અને દાખલ થતા દર્દી વધ્યા છે. જિ.પં.ના એપીડેમિયોલોજિસ્ટ ડો. પીયૂષ પૂજારાએ પણ વર્ષા બાદના માહોલે આંશિક બીમારી વધારી છે તેવું જણાવ્યું હતું. ભુજ તાલુકાના ખાવડા સીએચસીના ડો. વર્માએ મચ્છર વધતાં મેલેરિયા વધવાની સંભાવના દર્શાવી હાલે વિષાણુજન્ય તાવના રોજ 20થી 25 દર્દી આવે છે જ્યારે ઝાડા-ઉલટીના રોજિંદા 15 જેટલા કેસ હોય છે. નલિયા રેફરલ હોસ્પિટલના ડો. દુલેરાએ શરદી-ઉધરસ અને તાવ, ઝાડા-ઉલટીના દર્દી વધ્યા તે વાતને સમર્થન આપતાં કહ્યું કે, અઠવાડિયાના 150 આસપાસ દર્દી આવે છે. અબડાસાના કોઠારાના ડો. સિંહાએ જણાવ્યું કે,  રોજના ચારેક ઝાડા-ઉલટીના જ્યારે વાયરલ તાવ સાથે ઝાડાના 10 જેટલા કેસ આવે છે. માતાના મઢના ડો. રોહિત ભીલે લખપત તાલુકામાં પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિ ન હોવાનું જણાવ્યું હતું. ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો. સિંઘે પણ વરસાદજન્ય બીમારી ન હોવાનું કહ્યું હતું. ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડો. કમલેશ જોશીએ તેમની હોસ્પિટલના આજે રજાના દિવસે પણ હાજર હતા તેમ જણાવી એક પણ દર્દી તાવ-ઝાડાના આવ્યા ન હોવાનું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer