નખત્રાણામાં નકૂચો તોડી 1.55 લાખની ઘરફોડી

ભુજ, તા. 17 : નખત્રાણા ખાતે એસ.ટી. બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા વ્યવસાયે ખેડૂત એવા દયારામ મનજી નાયાણીના બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડીને ગત મોડિરાત્રે રૂા. 1.55 લાખની માલમતાની ચોરી થતાં કાયદાના રક્ષકો ભારે દોડધામમાં પડી ગયા છે.  ઘરમાલિક શ્રી નાયાણી અને તેમના પરિવારના સભ્યો પ્રસંગ અન્વયે બહાર ગયા હતા ત્યારે પાછળથી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા દરમ્યાન તેમના બંધ મકાનમાં આ ખાતર પડાયું હતું તેવું આજે રાત્રે લખાવાયેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.  પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે નકૂચો તોડીને ઘરમાં ઘૂસેલા કોઇ હરામખોરોએ શયનકક્ષમાં ખુલ્લા કબાટ ઉપર હાથ માર્યો હતો. આ કબાટમાંથી સોનાની બંગડી-2, સોનાની ત્રણ વીટી, સોનાના બુટિયા-2,  ચાંદીના છડા-2, ચાંદીનો કંદોરો- 1, ચાંદીની એક કંઠી મળી રૂા. 65 હજારની કિંમતના આભૂષણો અને રૂા. 90 હજાર રોકડા મળી કુલ રૂા. 1.55 લાખની માલમતા તફડાવી હતી.  બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસની ટુકડી સ્થાનિકે ધસી જઇને છાનબીનમાં પરોવાઇ હતી. તસ્કરોની ભાળ મેળવવા માટે ગુનાશોધક ગંધપારખુ શ્વાન અને હસ્તરેખા નિષ્ણાતોની મદદ લેવા માટેના ચક્રો પણ ગતિમાન કરાયા છે. 


જાંબુડીમાં થયેલી ટ્રક ચોરી અંતે ચોપડે ચડી દરમ્યાન ભુજ તાલુકાના જાંબુડી ગામે ગત જૂન મહિનામાં ચોરાયેલી રૂા. 7.87 લાખની ટ્રકની ચોરી અંતે વિધિવત ફરિયાદના સ્વરૂપમાં દફ્તરે ચડી હતી. અકબર મામદ મીંઢાની આ ટ્રક ગત તા. 13થી 24 જૂન દરમ્યાન ચોરાઇ હતી. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતાં ટ્રકમાલિકે જે-તે સમયે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. આ પછી આજે અંતે ગુનો દાખલ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer