પાટીદારોના ગામોની સૂની રહેતી ગલીઓમાં શ્રાવણી ધબકાર વર્તાયો

નખત્રાણા, તા. 17 : સાતમ-જન્માષ્ટમીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોને મન ભરીને માણવા દેશાવર વસતા પશ્ચિમ કચ્છના પાટીદાર પરિવારો દરરોજ મોટી સંખ્યામાં માદરે વતન પોતાના ગામ આવી રહ્યા છે. કારણ કે ચાલુ વર્ષે મેઘરાજાએ ધીંગી મહેર કરતાં માહોલ થોડોક જરા હટ કે છે. દેશમાં (કચ્છમાં) સારો વરસાદ થવાની ખુશી છે. સાતમ-આઠમ આમ તો બોળ ચોથ, પાંચમ, છઠ્ઠ, પાંચેય તહેવારોની આ પંથકમાં ખાસ વિશિષ્ટતા છે, મહત્વ છે. ગામે-ગામના મંદિરોના ચોકમાં દિવસ રાત ઢોલ ધબ્રુકી ઉઠશે. તેમાંયે ગત વૈશાખમાં જે દીકરીબાના બહાર લગ્ન થયા છે તે તો ખાસ સાસરેથી પિયરમાં સાતમ રમવા આવે છે. આનંદ, ઉમંગ, ઉત્સાહ સાથે. છેલ્લા ત્રણેક દિવસથી કચ્છ સાથેનો રેલવે વ્યવહાર પૂર્વવત થતાં દરરોજ મોટી સંખ્યામાં ખાનગી વાહનો કે ફોર વ્હીલરો દ્વારા વાહનો પર અન્ય શૂટકેસ -થેલા બાંધેલા સવાર-સાંજ વાહનો જોવા મળે છે. તો આ પરિવારો આવી રહ્યા છે. તેમને પોતાના ગામમાં આવી પોતાના ઘરના તાળાં ખોલવાના હોય છે કેમકે ગામે ગામની સમાજવાડીઓમા ગુરુવારથી જ રસોડાઓ ધમધમી રહ્યા છે. બહારથી આવતા પરિવારો માટે ચા-નાસ્તાથી, બે ટાઇમ જમવાની વ્યવસ્થા ચાલુ જ હોય છે અને આમ તો આખું વર્ષ અપના ઘરના નામની બહારથી આવતા પરિવારો માટે આખું વર્ષ રસોડાની વ્યવસ્થા ચાલુ હોય છે કેમકે વર્ષ દરમ્યાન સારા-માઠાં પ્રસંગોએ પરિવારના એકાદ બે સભ્યોને આવવું જ પડે છે. વર્ષ દરમ્યાન વૈશાખ તેમજ શ્રાવણના આ તહેવારો બાદ કરતાં પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આલિશાન મકાનો -બંગલાઓ બંધ રહે છે. મકાનની દીવાલ પર મકાન માલિકનું નામ , ગામના નામ સાથે હાલે આ પરિવાર ધંધાર્થે કયાં રાજ્યના શહેરમાં રહે છે તે લખેલું હોય છે. વર્ષમાં ઉપરાક્ત બે મહિના દરમ્યાન ગામોમાં ચહલ - પલહ દેખાય છે. આખો વર્ષ સુની લાગતી શેરીઓ, ગલીઓ, ચહલ-પહલ વધવાની સાથે રોનક દેખાતાં નાના મોટા ધંધાર્થીઓને આવક મળે તે સાથે ગામના જ દેશાવર વસતા પરિવારો આવે ત્યારે ગામની સુવિધા ખૂટતી કડીઓમાં દાનની સરવાણી વહેવડાવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer