રમતવીર દીપા મલિકનેય ખેલરત્ન

નવી દિલ્હી, તા. 17 : પેરા ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા રમતવીર દીપા મલિક તેમજ એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પહેલવાન બજરંગ પુનિયાને દેશના સૌથી મોટા ખેલ પુરસ્કાર `રાજીવ ગાંધી ખેલરત્ન'થી સન્માનિત કરાશે જ્યારે ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ સહિત 19 રમતવીર અર્જુન એવોર્ડ માટે પસંદ થયા છે, તેવી ઘોષણા એવોર્ડ સમિતિએ શનિવારે કરી હતી. દીપા મલિકે 2016માં રિયો ડિ જેનેરિયો ખાતે પેરા ઓલિમ્પિકમાં શોટપુટમાં તેમજ એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.  નિવૃત્ત ન્યાયમૂર્તિ મુકુંદકમ શર્માના નેતૃત્વવાળી સમિતિએ ગઇકાલે શુક્રવારે જ 65 કિલો વર્ગમાં વિશ્વના નંબર એક પહેલવાન પૂનિયાની પસંદગી કરી લીધી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, બજરંગ પૂનિયાએ ગત વર્ષે ખેલરત્ન નહીં મળતાં અદાલતમાં જવાની ધમકી આપી હતી. અર્જુન એવોર્ડની વાત કરીએ તો ક્રિકેટર રવીન્દ્ર જાડેજા, પૂનમ યાદવ અને એથ્લેટિક્સમાં તેજિંદરપાલ સિંહતૂર, સ્વપ્ના બર્મન સહિત 19 ખેલાડીઓને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે. બેડમિન્ટન કોચ વિમલકુમાર, ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા અને એથ્લેટિક્સ કોચ મોહિન્દરસિંહ ઢિલ્લોને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દરમ્યાન, સુરતનો હરમીત દેસાઈ અર્જુન એવોર્ડ માટે પસંદ થતાં ગુજરાત રાજ્ય ટી.ટી. એસોસિયેશને તેને અભિનંદન આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer