શ્રીલંકાને જીત માટે 135 રનની જરૂર

નવી દિલ્હી, તા. 17 : કેપ્ટન દિમુથ કરુણારત્ને અને લાહિરુ થિરિમાનેની ઓપનિંગ જોડીએ 268 રનના મુશ્કેલ લક્ષ્ય સામે શ્રીલંકાને ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત અપાવી હતી. શ્રીલંકાએ ચોથા દિવસની રમત પૂરી થવા સુધીમાં કોઈ નુકસાન વિના 133 રન કર્યા હતા અને હવે લક્ષ્યથી માત્ર 135 રન દૂર છે. ગોલમાં કોઈપણ ટીમ 99થી મોટું લક્ષ્ય મેળવી શકી નથી અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ મેચમાં જો શ્રીલંકાની ટીમ લક્ષ્ય પાર પાડશે તો આ ગોલમાં નવો વિક્રમ બની રહેશે. કરુણારત્ને હજી 71 રને નોટઆઉટ છે. જ્યારે શરૂઆતમાં રન બનાવવામાં મુશ્કેલી અનુભવતો થિરિમાને 57 રન કરી ચૂક્યો છે. કરુણારત્નેએ ટી બ્રેક પહેલાં જ પોતાની અડધી સદી કરી હતી અને ત્યારબાદ થિરિમાને સાથે મળીને ન્યૂઝીલેન્ડને એક પણ સફળતા મળવા દીધી નહોતી. આ બન્નેએ ચોથી ઈનિંગ્સમાં શ્રીલંકા તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ અગાઉ ન્યૂઝીલેન્ડે વિકેટકીપર બેટ્સમેન વીજે વાટલિંગના 77 રન અને વિલિયમ સમરવિલેના નોટઆઉટ 40 રનની મદદથી બીજી ઈનિંગ્સમાં 285 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડના અંતિમ પાંચ ખેલાડીઓએ 187 રન જોડીને શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જ્યારે પહેલી પાંચ વિકેટ માત્ર 98 રનમાં પડી હતી. શ્રીલંકા તરફથી સ્પિનર લસિથ એમ્બુલડેનિયાએ ચાર વિકેટ લીધી હતી. જ્યારે ધનંજય ડિ'સિલ્વાને ત્રણ વિકેટ મળી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer