`તેરા તુજકો અર્પણ'' અભિયાનને વ્યાપક પ્રતિસાદ

ભુજ, તા. 17 : કચ્છમાં ગત વર્ષે તદ્દન નહીંવત વરસાદ થકી દુષ્કાળ અને અછતની આફતમાં ગૌમાતાની હાકલ સાંભળીને અનેક નામી અનામી દાતાઓએ પોતાના દાનની અવિરત સરવાણી વહાવી હતી તે બદલ તેરા તુજ કો અર્પણ ગૌસેવા અભિયાન સફળતાપૂર્વક કરી હજારો ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા બાદ હવે ધરતી માતાની હાકલ સાંભળીને હિતેશભાઇ ખંડોર દ્વારા સમસ્ત જૈન સમાજ મધાપરના નેજા હેઠળ મીડિયા પાર્ટનર તરીકે કચ્છમિત્રના સહકારથી તેરા તુજકો અર્પણ વૃક્ષમિત્ર અને જળશક્તિ અભિયાનનો આરંભ થયો છે, ત્યારે અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઠેર ઠેરથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ વર્ષે સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં મેઘરાજાની વિશેષ કૃપા થઇ છે ત્યારે દુષ્કાળને હવે કચ્છમાં કાયમી ભૂતકાળ બનાવવાના સંકલ્પ સાથે આરંભાયેલા આ મહાઅભિયાનમાં જોડાતા તમામ સમર્થકોને આ અભિયાનનો હેતુ ફક્ત વૃક્ષારોપણ જ નહીં પરંતુ વૃક્ષોના જતનનો હોઇ ગૂગલ પ્લેસ્ટોર પરથી તેરા તુજકો અર્પણ એ મોબાઇલ એપ્લિકેશન ડાઉનડોલ કરી રજિસ્ટ્રેશન કરાવી તેમાં દર મહિને નિયમિત છોડના વિકાસના ફોટા પોસ્ટ કરવા અપીલ કરવામાં આવી છે. વૃક્ષમિત્રો છોડનાં જતન પ્રત્યે સતત જાગૃત રહે તેવા હેતુથી મોબાઇલ એપ્લિકેશન પર દર મહિને નિયમિત પોતાના વાવેલા છોડના વિકાસના ફોટા પોસ્ટ કરશે, તેમાંથી લક્કી ડ્રો દ્વારા જેમનાં નામ સિલેકટ થશે તેમના ફોટા વિશેષ અભિનંદન સાથે કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થશે. આ સાથે જળશક્તિ અભિયાન માટે પણ અનેક જગ્યાએ કામગીરી થઇ છે, તેમને પણ પોતાની માહિતી અને ફોટા મોબાઇલ એપ્લિકેશન પર પોસ્ટ કરવા જણાવાયું છે. તેરા તુજકો અર્પણની ખાસ મોબાઇલ એપ્લિકેશન પરથી જ આપે પોસ્ટ કરેલા ફોટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર હેઝટેગ તેરા તુજકો અર્પણ એ  સાથે શેર કરી આ અભિયાનને વધુ ને વધુ સમર્થન આપવા શ્રી ખંડોર દ્વારા સૌ સંસ્થાઓ અને કચ્છવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer