ગાંધીધામનો કુખ્યાત બુટલેગર બીજી વખત પાસા તળે પુરાયો

ગાંધીધામ, તા. 17 : કચ્છમાં દારૂ-જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ અને જિલ્લા પ્રશાસને કડક વલણ અખત્યાર કર્યું હોઈ આજે પૂર્વ કચ્છના વધુ એક નામીચા બુટલેગર સામે બીજી વખત પાસાનું શત્ર ઉગામવામાં આવ્યું છે.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આઈ.જી.પી. ડી.બી.વાઘેલા અને પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે દારૂ-જુગારની બદીને ડામવા માટે બુટલેગરો સામે પાસા તળે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એલ.સી.બી. દ્વારા  કુખ્યાત બુટલેગર શિવરાજસિંહ શેખાવત સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલવામાં આવી હતી.  આ દરખાસ્તને કલેકટરે મંજૂરી આપતાં પાસા વોરન્ટ ઈસ્યૂ કરી શિવરાજસિંહની ધરપકડ કરી વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરાયો હતો.  આ કાર્યવાહીમાં એલ.સી.બી.  પી.આઈ. ડી.વી. રાણા, પી.એ.આઈ. એન.વી. રહેવર અને સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે અગાઉ પણ પાસાનું શત્ર ઉગામવામાં આવ્યું હતું. શરાબની મોટા પાયે હેરફેરના અનેક ગુના તેની સામે નોંધાયા છે. અગાઉ શરાબ વેચાણના પૈસાની લેતીદેતી મામલે શિવરાજસિંહ ઉપર ગાંધીધામમાં ઓસ્લો સર્કલ ખાતે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer