ગાગોદરની નર્મદા પેટા કેનાલ શરૂ થતાં પહેલાં જ તૂટતાં સમારકામ કરાવો

રાપર, તા. 17 : તાલુકાની ગાગોદર નર્મદા પેટા કેનાલ શરૂ થતાં પહેલાં જ તૂટી જતાં ઝડપી સમારકામ કરવા તથા ગાગોદર કેનાલમાં ઝડપી પાણી છોડવાની ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિતને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગાગોદર બ્રાન્ચ (પેટા) કેનાલમાં પાણીની શરૂઆત થવાં પહેલાં જ મોટા-મોટા ગાબડાઓ પડયાં છે. આ વિસ્તારની ઘણી ગ્રામ પંચાયતો દ્વારા ફરિયાદો આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ગાગોદર પેટા કેનાલથી થોરિયારી અને કુંભારિયા જેવા અનેક ગામોને જોડતી પેટા કેનાલ ખેતી ઉપયોગી બનાવવામાં આવી છે. પણ વરસાદમાં પણ કામગીરી સાવ નબળી થઈ છે તેનું ગાબડાં  જીવંત  દૃષ્ટાંત છે. ભ્રષ્ટાચારીઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા તેમજ સમારકામ કામગીરી ઝડપી કરવા તટસ્થ રજૂઆતો કરી વધુમાં જણાવ્યું કે થોરિયારી ગામના સર્વે નંબરોમાં નાખવામાં આવેલી પાઈપલાઈનો પણ નબળી ગુણવત્તાવાળી હોવાથી લેખિત ફરિયાદ પણ મળી છે. આ કેનાલની બાકી કામગીરી પૂર્ણ કરી સત્વરે પાણી આપવા ધારાસભ્યે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer