ભુજની ફૂટપાથને ક્યારે મળશે આઝાદી ?

ભુજની ફૂટપાથને ક્યારે મળશે આઝાદી ?
ભુજ, તા. 14 : શહેરમાં દબાણો હટાવવા તંત્રનો લાજનો ઘૂંઘટ શા કારણોસર હટતો નથી તેવો સવાલ જાગૃતોને સતાવી રહ્યો છે. દરેક વિસ્તારોમાં નાસ્તા સહિતની લારી-ગલ્લાવાળાઓ બિનધાસ્તપણે દબાણો કરી રહ્યા છે અને કોઇ છૂપી મમત હોય તેમ ભાડા, સુધરાઇ અને ટ્રાફિક તંત્ર મૂકપ્રેક્ષક બની આવા દબાણકારો સામે લાચાર બની ગયા હોય તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યું છે. ભુજ બસ સ્ટેશન જેવું મંગલમ ચાર રસ્તા નજીક આવ્યું તે સાથે જ આવા દબાણકારોનો ડોળો આ માર્ગ પર મંડાયો છે અને દિવસ-રાત દબાણો વધી રહ્યાં છે. બસ પણ અહીંથી પસાર થતી હોવાથી ટ્રાફિક સમસ્યાનો લોકોને સતત સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માત પણ સતત સર્જાઇ રહ્યા છે. મંગલમ ચાર રસ્તા પાસે બન્ને તરફના માર્ગો પર ધીરે-ધીરે કેબિનો, નાસ્તાની લારીઓ ગોઠવાતી જાય છે. ઉપરાંત ત્યાં ઊભનારા વાહનો પણ જેમ-તેમ ઊભા રાખી દેતાં રાહદારીઓ, વાહનચાલકોના નાકે દમ આવી જાય છે. એક ખાનગી હોટલ નજીકના ખૂણા અને સર્કલ વચ્ચે અમુક સમયે તો કેડી જેટલો જ માર્ગ બચે એ રીતે વાહનોના ખડકલા રહેતા હોય છે. આવી હાલત શહેરના ઘણા ખરા વિસ્તારમાં છે. ભુજમાં જરા કોઇ વિસ્તારનો વિકાસ અથવા નામના થાય તે સાથે જ લારી-ગલ્લાના દબાણો રીતસરનો ઘેરો ગાલી લોકોને ચાલવા જેટલો માર્ગ પણ નથી રહેવા દેતા. ઉપરોકત તંત્રની તો કોઇ ધાક જ ન હોય તેમ બેફિકરાઇથી ફૂટપાથ સહિત માર્ગને અવરોધી દબાણો કરાઇ રહ્યા છે. મોડે મોડે ઉપરોકત તંત્ર પોતાનું અસ્તિત્વને સાબિત કરવા દબાણ હટાવ કામગીરી કરે છે. પણ તેની અસર માત્ર બે-ત્રણ દિવસ પૂરતી જ રહે છે. બાદમાં જૈસે થેની સ્થિતિ થઇ જાય છે અને તંત્ર પણ પાછું વળીને જોવાની તસ્દી નથી લેતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer