એન.ડી.આર.એફ.ની ટીમને રક્ષાકવચ

એન.ડી.આર.એફ.ની ટીમને રક્ષાકવચ
ભુજ, તા. 14 : ગત શુક્ર-શનિવારે કચ્છમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં થયેલા ભારે વરસાદની સ્થિતિમાં પૂરમાં ફસાયેલા લોકોને સલામતી રીતે બહાર કાઢવા માટે મહેનત કરી ચૂકેલી એન.ડી.આર.એફ.ની ટીમને બિરદાવી છાત્રાઓએ રાખડી બાંધી હતી. ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે એક દિવસ પૂર્વે જ કચ્છના કલેકટર રેમ્યા મોહન અને વહીવટી તંત્ર તરફથી એન.ડી.આર.એફ.ના જવાનોને રક્ષા કવચરૂપી રાખડી બાંધવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાજીપીર વિસ્તારમાં મીઠા ઉદ્યોગનાં પૂરના પાણીમાં ફસાયેલા 297થી વધારે કામદારો ઉપરાંત રામપર (અબડા)માં નદીના પાણીમાં 10 લોકો અને નલિયા-મોકરશીવાંઢ રોડ ખાતેથી 7 લોકોને રેસ્કયુ કરી બચાવી લેવાની એન.ડી.આર.એફ.ની સફળ કામગીરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃતજ્ઞતાની લાગણી સાથે બિરદાવાઈ છે. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગઈકાલે સાંજે 6 બીએન એનડીઆરએફ, વડોદરાના ઈન્સ્પેક્ટર બલજિતસિંઘ સોઢીને  જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તંત્ર દ્વારા એનડીઆરએફની સમગ્ર રેસ્કયુ ટીમ પ્રત્યેક ખાસ આભાર પ્રગટ કરાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થિની  દીકરીઓ દ્વારા શૌર્યતાના પ્રતીકસમા એનડીઆરએફ ટીમના જવાનોને ભાલે તિલક કરી કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તોલંબિયાએ પૂરની વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા 314 લોકોના જાન બચાવનારા જવાનોની માનવસેવાના કાર્યોને કાબિલે તારીફ ગણાવી એનડીઆરએફ ટીમના જવાનોની કામગીરીને બિરદાવી હતી. અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા અને નખત્રાણા પ્રાંત અધિકારી જી.કે. રાઠોડે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઊભી થયેલી પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. અછત શાખાના મામલતદાર ભગીરથસિંહ ઝાલા, પીરદાન સોઢા, અજિતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer