અંજાર પંથકમાં તસ્કરોએ બેવડી હત્યા કરતાં ચકચાર

અંજાર પંથકમાં તસ્કરોએ બેવડી હત્યા કરતાં ચકચાર
ગાંધીધામ, તા. 14 : ઐતિહાસિક શહેર અંજારના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં ખોડા લાખાભાઇ રબારી (ઉ.વ. 43) નામના યુવાન ચોકીદારની ગતરાત્રે થયેલી હત્યાના પ્રકરણમાં પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા. બીજી બાજુ આવી જ રીતે ચોરીના ઇરાદે વરસાણાની ખાનગી કંપનીના સુરક્ષાકર્મી એવા રામકિશન (ઉ.વ. 38) નામના યુવાનની હત્યા નીપજાવાઇ હતી. આ બનાવને અંજામ આપીને 5થી 6 શખ્સો નાસી ગયા હતા. અંજાર પંથકમાં એકીસાથે તસ્કરોએ હત્યાના બે બનાવને અંજામ આપતાં ભારે ચકચાર પ્રસરી હતી. અંજારના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં ચોકીદારી કરતા મૂળ મીંદિયાળાના ખોડાભાઇ રબારીની હત્યા નીપજાવવામાં આવી હતી. આ સોસાયટીની પાછળની છેલ્લી ગલીમાં રાત્રે લાઇટનું અજવાળું દેખાતાં ચોકીદારે આ બનાવના ફરિયાદી એવા પુષ્કર બાબુ પટેલને ફોન કરી શંકાસ્પદ લાગતું હોવાની વાત કરી હતી. પરિણામે પુષ્કર પટેલે પોતે ત્યાં આવે છે તેવું કહ્યું હતું. તેવામાં ચોકીદાર એવા ખોડા રબારીએ ત્યાં જઇને જોતાં બે શખ્સોએ એક મકાનનાં તાળાં તોડી તેમાંથી રૂા. 10,000ના નળની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાને એક તસ્કરને લાકડી મારતાં તે ત્યાં જ પડી ગયો હતો જ્યારે અન્ય શખ્સે તેના પેટ અને છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં આ બંને શખ્સો નાસી ગયા હતા. આ બનાવ પછી પુષ્કર પટેલ ત્યાં પહોંચતાં ચોકીદાર યુવાન લોહી નિંગળતી હાલતમાં ત્યાં પડયો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં આજે સવારે આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. રબારી સમાજના યુવાનની હત્યા નીપજાવનારા આરોપી ન પકડાય ત્યાં સુધી તેની લાશ સ્વીકારવાનો સમાજે ઇન્કાર કરી દીધો હતો. બાદમાં બપોરે આ યુવાનની લાશ સ્વીકારવામાં આવી હતી. દરમ્યાન આ પ્રકરણ અંગે પોલીસવડા પરીક્ષિતા રાઠોડે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, એલસીબીએ નાનતા બાબુ કોળી (મૂળ પીપરાળા હાલે ગુ.હા. બોર્ડ ઝૂંપડા ગાંધીધામ) તથા રમેશ દામજી ઉર્ફે દેવજી મહેશ્વરી (રહે. મેઘમાયા ઝૂંપડા મેઘપર કુંભારડી)ની ધરપકડ કરી લીધી છે. આ બંને શખ્સો ગોલ્ડન સેન્ડમાં ચોરી કરવા ગયા હતા, જ્યાં ખોડા રબારી તેમને જોઇ જતાં તેણે રમેશ મહેશ્વરીને ધોકો મારતાં તે પડી ગયો હતો. નાનતા કોળીએ પોતાની પાસે રહેલી છરી કાઢી આ યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ બાદ બંને શખ્સો બાઇક અને મોબાઇલ ત્યાં પડતા મૂકીને નાસી ગયા હતા. એલસીબીએ શોધખોળ આદરીને બંનેને પકડી પાડયા હતા. આ બંને અગાઉ પણ ચોરી જેવા ગુનામાં  આવી ગયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. છેલ્લા 6 મહિનામાં પૂર્વ કચ્છમાં 41 ઘરફોડ ચોરી સામે માત્ર 6નો જ ભેદ ઉકેલાયો છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, પ્રયત્ન ચાલુ છે. વધુ ચોરીના ભેદ ઉકેલી લેવામાં આવશે. દરમ્યાન હત્યાનો વધુ એક બનાવ અંજારના વરસાણા ગામની સીમમાં આવેલી કચ્છ કેમિકલ નામની કંપનીમાં બન્યો હતો. આ કંપની અગાઉથી કાર્યરત છે. પાછળ તેનો અન્ય વિભાગ બની રહ્યો છે. તેમાં રાત્રે આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખાનગી સુરક્ષા કર્મી રામકિશન રાત્રે પોતાની ફરજ ઉપર હતો ત્યારે પાંચથી છ શખ્સો દીવાલ કૂદીને અંદર ખાબક્યા હતા. આ તસ્કરોને જોઇ જતાં રામકિશને તેમને પડકાર્યા હતા. ઘૂંટણ સમા પાણીમાં આ શખ્સોએ સુરક્ષાકર્મી ઉપર તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે હુમલો કરતાં તેને કાન, મોઢામાં ઇજાઓ પહોંચી હતી. આ કર્મીએ રાડારાડ કરતાં આ નિશાચરો દીવાલ કૂદીને નાસી ગયા હતા. ઘવાયેલા કર્મી રામકિશને ટોર્ચની લાઇટ ચાલુ કરતાં અન્ય સુરક્ષાકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા. તેને વધુ સારવાર મળે તે પહેલાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. ચોરીના ઇરાદે કંપનીમાં ઘૂસેલા શખ્સોએ ક્યાંક દૂર કોઇ મોટું વાહન પાર્ક કર્યું હશે અને બનાવને અંજામ આપીને નાસી ગયા હોવાની શક્યતાનાં પગલે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અંજાર પંથકમાં ચોરીના ઇરાદે એકીસાથે બે હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer