દેવપુરના ડો. સીમાબેન ગાલાએ ન્યૂયોર્કમાં કચ્છીયત ઝળકાવી

દેવપુરના ડો. સીમાબેન ગાલાએ ન્યૂયોર્કમાં કચ્છીયત ઝળકાવી
દેવપર-ગઢ (તા. માંડવી), તા. 14 : મૂળ દેવપુરના હને હાલે વલસાડ જિલ્લાના વાપી સ્થિત ભાઈલાલ મેઘજી ગાલાના પુત્ર તરલ ગાલાના પત્ની સીમાબેને ન્યૂયોર્ક ખાતે સંયુકત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ) આયોજિત આંતરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં વકતવ્ય આપી ઉપસ્થિતોને કચ્છીયતની ઝલકથી આંજ્યા હતા. એક સંયોગ જ કહેવાય કે એક તરફ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પસંદગી કરાઇ અને બીજી તરફ ડોકટરેટની ડિગ્રી મળી. ડો. સીમાબેન ગાલાએ રાષ્ટ્રસંતનું બિરૂદ મેળવનાર જૈનાચાર્ય  ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ના જીવનચરિત્ર  વિષય પર અંગ્રેજીમાં શોધ નિબંધ રજૂ કરી ઓપન ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી ડોકટરની ડિગ્રી મેળવી હતી. વાપી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કાર્યરત ડો. સીમાબેન ગાલા પતિ તરલ ગાલા સાથે માદરે વતન આવ્યા ત્યારે કચ્છમિત્ર સાથેની રૂબરૂ વાતચીતમાં તેમણે વિગતો વર્ણવી હતી. પતિ તરલ ગાલાના સંપૂર્ણ સહકાર અને સાહિત્ય દિવાકર  કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમણે  કાર્યને સંભવ કર્યાની ખુશી વ્યકત કરી હતી.  વાપીમાં શિક્ષિકા તરીકેની કામગીરીમાં નામના મેળવનાર ડો. સીમાબેન ગાલાએ પોતાના શોધ નિબંધ સંદર્ભે કહ્યું હતું કે પીએચ.ડી. માટે મુંબઇની ઝોરોસ્ટ્રીયન કાલેજમાં પ્રથમ પ્રયાસે પ્રવેશ પરીક્ષા પાસ કરી ગાઈડ ડો. જશ્મી દોશી અને ડો. તેજભાઇ શાહના માર્ગદર્શનમાં દોઢ વર્ષ સુધી સંશોધન કર્યુ હતું. ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની જન્મભૂમિ દેઢિયા (તા.માંડવી) થી મેરાઉ, નાગલપર, મુંબઇ, પાલિતાણા, રાજસ્થાન અને કોડાય નજીકના બૌંતેર જિનાલય સુધી તેમણે ખેડાણ કરી માહિતી એકત્ર કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer