હવે ગાંધીધામ પાલિકા કહે છે, ગટર-પાણીની લાઈનો હોવાથી વૃક્ષારોપણ ન કરી શકાય

હવે ગાંધીધામ પાલિકા કહે છે, ગટર-પાણીની લાઈનો હોવાથી વૃક્ષારોપણ ન કરી શકાય
ગાંધીધામ, તા. 14 : આ પંચરંગી શહેરનો મિજાજ પણ તેના જેવો જ છે. ગઈકાલ સુધી શહેરની મુખ્ય બજારમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા થઈ રહેલું વૃક્ષ વાવેતર ટ્રાફિકને અડચણરૂપ ગણાવાતું હતું હવે નગરપાલિકાએ મુખ્ય બજારમાં ગટર-પાણીની લાઈનો હોવાથી તેને નુકસાન ન થાય તે માટે વૃક્ષારોપણ નહીં કરવા દેવાય તેવી વાત કરી છે. જો આજ માપદંડ હોય તો તો પછી દેશના કોઈ શહેર કે ગામડાંમાં વૃક્ષારોપણ ન થઈ શકે. કારણ બધે જ ગટર-પાણીની લાઈનો તો હોય જ. છેલ્લા થોડા દિવસથી શહેર સંકુલમાં ચકચાર જગાવનારા આ વૃક્ષારોપણ પ્રકરણ અંગે મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમેણે કહ્યું હતું કે અમે વૃક્ષારોપણ અર્થે જગ્યા બતાવવા તૈયાર છીએ. મુખ્ય બજારમાં ટ્રાફિક ઉપરાંત ગટર-પાણીની લાઈનો હોવાથી વૃક્ષના મૂળિયાં તેને નુકસાન કરી શકે. તેથી ત્યાં વૃક્ષારોપણ ન થઈ શકે તેવું તેમણે ઉમેર્યું હતું.મુખ્ય બજારમાં જ ગટર-પાણીની લાઈનો કેટલાક નાગરિકોએ દબાવી દેતાં નવી લાઈનો નાખવી પડી છે તો તેમાં પાલિકાએ કેમ પગલાં ન લીધાં તેવું પૂછતાં તેમણે કહ્યું હતું કે વૃક્ષો ફરિયાદ ન કરે ! દરમ્યાન શહેરમાં અનેક સ્થળે આ પેવર બ્લોક તોડીને ખુદ નગરપાલિકાએ કચરાટોપલી બેસાડી છે તે ટ્રાફિકને નડતી નથી. કેટલાક વગદારોએ પોતાની દુકાન, હોસ્પિટલનાં બોર્ડ પેવર બ્લોક ઉપર લગાડયાં છે તેનું શું તેવું પૂછતાં તેમણે તે તમામ તોડી પડાશે તેવી ખાતરી આપી હતી. પાલિકા દ્વારા ઈફકોની સામેના ભાગમાં વૃક્ષારોપણ કરવા જણાવાય છે તો ત્યાંથી પીવાના પાણીની એકસપ્રેસ લાઈન તથા ગટરની લાઈનો જાય છે તો એ બધું નહીં નડે તે પ્રશ્ન હજુ નિરૂત્તર છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer