પર્યાવરણપ્રેમીઓની અરજને ગાંધીધામ પાલિકાએ ધરાર નકારી કાઢતાં નિરાશા

પર્યાવરણપ્રેમીઓની અરજને ગાંધીધામ પાલિકાએ ધરાર નકારી કાઢતાં નિરાશા
ગાંધીધામ, તા. 14 : અહીંની ભાજપ શાસિત સુધરાઈએ કેટલાક ચોક્કસ  લોકોને વશ થઈને પર્યાવરણ જાળવણીની અગત્યની વાતને   નેવે મૂકી  મુખ્ય બજારમાં વૃક્ષો વાવવાની રીતસર ના પાડી દેતાં આ બાબત ટોક ઓફ ધી ટાઉન બની છે. આજે વધુ એક વખત  વૃક્ષપ્રેમી વેપારીઓએ સુધરાઈ પ્રમુખ સમક્ષ વૃક્ષો વાવવા માટે અરજી કરી હતી. જો કે પાલિકાએ  જુદા-જુદા  બહાના બતાવી  વધુ એક વખત નનૈયો ભણી જડ વલણ દાખવ્યું હતું. રજૂઆત વેળા પત્રકારોને અંદર આવવા ના દેવાતાં પાલિકાની રીતભાત સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. શહેરમાં પર્યાવરણ જાળવણી અર્થે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા મુખ્ય બજાર સહિતના સ્થળે વૃક્ષારોપણ કરાયું હતું. જે કેટલાક લોકોને ખટકતાં  પાલિકાના  સત્તાધીશોને હાથો બનાવી આ  શ્રેષ્ઠ  પ્રવૃત્તિ અટકાવી હતી. પાલિકાએ વાવણી થયેલા વૃક્ષો ઉપરના પીંજરાં  ઉખેડવા સહિતની પર્યાવરણ વિરોધી નીતિનું  પ્રદર્શન કર્યું હતું. આ મુદ્દે પર્યાવરણપ્રેમી વર્ગે  પાલિકાના આ પ્રકારના  વલણ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આજે મુખ્ય બજાર  અને શકિતનગરના  વેપારીઓ તથા  સ્થાનિકોએ સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા સમક્ષ  વધુ એક વખત વૃક્ષો વાવવા માટે મંજૂરી આપવા લેખિત અરજ કરી હતી. દરમ્યાન આ વેળા  ગટરની  તથા અન્ડર ગ્રાઉન્ડ લાઈનોને અસર થવાની તેમજ વૃક્ષોથી કચરો વધવા સહિતના બહાના તળે  આ મુખ્ય બજારમાં વૃક્ષોની વાવણી અંગે ના પાડી દેવામાં આવી હતી. આ ઉપરાંત શક્તિનગરમાં પણ  હાલ વાવેલા વૃક્ષોને કાઢવામાં નહીં  આવે  તેવું કહી પેવર બ્લોકમાં વૃક્ષો ન લગાવવા જણાવાયું  હોવાનું વૃક્ષપ્રેમી લોકોએ કહ્યું હતું. મુખ્ય બજારમાં  કઈ ગટરની લાઈનો જાય છે, તેવો  પ્રશ્ન પણ ઉઠાવ્યો  હોવાનું ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે આ  રજૂઆત વેળાએ ચોથી જાગીર ગણાતા પ્રચાર-પ્રસાર  માધ્યમોને માટે  પ્રવેશ નિષેધ કરાતાં સત્તાધીશો કંઈક છુપાવવા માગતા હોય તેવું  ચિત્ર ઉપસ્યું હતું પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે. આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર  દ્વારા પણ ભાર મૂકવામાં આવે વગેરે મુદ્દા લેખિત રજૂઆત મંજૂરી અરજમાં વર્ણવામાં આવી છે.  આ બેઠકમાં જયેશભાઈ કેલા, નિર્મલભાઈ મહેતા, સુનીલભાઈ નાહટા, મનીષભાઈ જૈન, રમેશભાઈ આચાર્ય, દર્શનભાઈ ઠાકર, ગોવિંદભાઈ કેલા, મનુભાઈ શર્મા  સહિતના હાજર રહ્યા હતા. એક વેપારી જૂથ   પર્યાવરણના જતન મુદ્દે  તરફેણ કરી રહ્યંy છે જયારે બીજું વેપારી જૂથ પોતાના અહમ્ને સંતોષવા માટે  સુધરાઈને હાથો બનાવતો હોવાની જાગૃત નાગરિકોએ  ટકોર કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer