મહિલા સુરક્ષા સ્વયં શિક્ષિત,દીક્ષિત અને સ્વનિર્ણય શક્તિ થકી જ સંભવે

મહિલા સુરક્ષા સ્વયં શિક્ષિત,દીક્ષિત અને સ્વનિર્ણય શક્તિ થકી જ સંભવે
ભુજ, તા. 14 : મહિલાઓની સલામતી-સુરક્ષા એ સ્વયં શિક્ષિત, દીક્ષિત અને સ્વનિર્ણય શક્તિ થકી જ સંભવી શકે છે તેવું ડીવાય એસપી બી. એમ. દેસાઇએ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર-ભુજ દ્વારા `મહિલા સુરક્ષા' વિષય પર આયોજિત માર્ગદર્શન શિબિરમાં જણાવ્યું હતું. વિદ્યાર્થિનીઓને સંબોધતાં તેમણે મા-બાપના નિર્ણયને અનુસરી આગળ વધવાની સાથે સ્વનિર્ણયશક્તિ કેળવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનિબેન દવેએ જણાવ્યું કે, દૃઢ મનોબળ અને લગન સાથે કરવામાં આવતું કાર્ય હંમેશાં સફળતા જ અપાવે છે. વધુમાં જણાવ્યું કે ઘરેલુ હિંસા અધિનિયમ અને દહેજ પ્રતિબંધ બાબતે તેમજ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મહિલા કલ્યાણને લગતી યોજનાઓ વિશે જાણકારી આપી હતી. નૂતન સરસ્વતી ટ્રસ્ટના ચેરમેન અરજણભાઇ પિંડોરિયાએ આ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે સંસ્કારસભર જીવન જીવવાના સંકલ્પ લઇ આગળ વધી દેશહિતને ધ્યાને રાખી ચાલવા અનુરોધ કર્યો હતો. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ટ્રાફિક પીએસઆઇ જે. એમ. જાડેજા, આચાર્યા વર્ષાબેન ઠક્કર, નીલમબેન, જિલ્લા કેન્દ્રના સામાજિક કાર્યકર મીનાબેન બોરીચા, મંત્રી શિવજીભાઇ વેકરિયા, ટ્રસ્ટીઓ કલ્યાણજી કેરાઇ, વિશ્રામભાઇ હાલાઇ મંચસ્થ રહ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઇ હિતેશભાઇ ઝાલાએ વિદ્યાર્થિનીઓને મોબાઇલનો ઉપયોગ જરૂરી ન હોય તો તેનો વપરાશ ટાળવા જણાવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટીના વિમળાબેન અને જશોદાબેને સ્વસુરક્ષા માટે કરાટેના દાવ શીખવ્યા હતા. અજરામર ટ્રસ્ટના મંત્રી મયૂર બોરીચાએ સંચાલન કર્યું હતું. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઇ, કોન્સ્ટેબલ સંજયભાઇ, મહિલા કોન્સ્ટેબલ રૂખીબેન સહયોગી રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer