`જમ્મુ-કાશ્મીર, લદ્દાખને લાભ થશે''

નવી દિલ્હી, તા. 14 : ભારત દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકોને શુભેચ્છા આપતાં દેશને નવી ઊંચાઇએ લઇ જવા રાષ્ટ્રનિર્માણ માટે સૌને પોતાના સ્તરે પ્રયાસ કરવાની અપીલ કરી હતી. કેન્દ્રની સરકાર લોકોની આશાઓ, આકાંક્ષાઓ પૂરી કરવા માટે કામ કરી રહી છે. કલમ 370 હટાવવાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ફાયદો થશે તેવું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. આ ક્ષેત્રોના નાગરિકો પણ હવેથી દેશના અન્ય ભાગોના લોકોને મળે છે, તે તમામ અધિકારો તેમજ સુવિધાઓનો લાભ મેળવી શકશે તેવો વિશ્વાસ કોવિંદે અપાવ્યો હતો. પરંપરાગત રીતે વંચિત રહેલા  વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત સહિતના અન્ય લાભો પણ મળી શકશે તેવું તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયો પોતાની પ્રતિભા, કૌશલ્યથી વિકાસની નવી તકોનું સર્જન કરી શકે છે. દરેક નાગરિકના ઘર સુધી પીવાનું પાણી અને દરેક કિસાનને સિંચાઇનું પાણી પહોંચાડવા પર ભાર અપાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જળની બચત સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથોસાથ સૌ નાગરિકોની પણ ભૂમિકા ખાસ મહત્ત્વની બની રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer