ઈમરાનને પીઓકેમાં ભારતના ભણકારા

ઇસ્લામાબાદ, તા. 14 : કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી દેવાયા પછીથી ભારતના આ આતંરિક મામલામાં કારણ વગરનો ચંચુપાત કરી રહેલા પાકિસ્તાનને દુનિયાભરમાંથી જાકારો મળી રહ્યો છે, ત્યારે હવે પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી ભારત કરશે, તેવો ડર પાકને સતાવી રહ્યો છે. પાકિસ્તાનના સ્વાંતત્ર્ય દિવસ પ્રસંગે પીઓકેની વિધાનસભાને સંબોધતાં પાક વડાપ્રધાન ઇમરાન ખાને વધુ એકવાર ભારતને પોકળ ધમકી આપીને જણાવ્યું હતું કે, યુદ્ધ થાય તો અમારી સેના તૈયાર છે. એટલું જ નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો વિશ્વ સમુદાય જવાબદાર રહેશે, તેવી છીછરી ટિપ્પણી પણ ખાને કરી હતી. કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણનીતિક ભૂલ કરી છે. કાશ્મીરમાંથી કફર્યુ હટશે પછી શું થશે તેનો આપણને સૌને ભય છે,  તેવું ઇમરાને કહ્યું હતું. શું જરૂર હતી, આટલી મોટી ફોજ ઉતારો, પછી પર્યટકોને બહાર કાઢી નાખો. કાશ્મીરમાં આ શું કરવા જઇ રહ્યા છે, આ મોદી અને ભાજપને ભારી પડશે, તેવી પોકળ ધમકી તેમણે આપી હતી. ઇમરાને કહ્યું હતું કે, અમારી પાસે જાણકારી આવી છે. ભારતે `આઝાદ કાશ્મીર' (પીઓકે)માં બાલાકોટથી પણ ઘાતક હુમલાની યોજના ઘડી છે. વિશ્વભરમાં પછડાટ ખાધા પછીયે પાકની પૂંછડી વાંકી હોવાની પ્રતીતિ કરાવતાં ખાને કહ્યું હતું કે, ઇંટનો જવાબ ભારતને પથ્થરથી આપવા પાકની ફોજ તૈયાર છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer