બાલાકોટ : પાંચ જવાનને વીરતા સન્માન

નવી દિલ્હી, તા. 14 : પુલવામા આતંકવાદી હુમલા બાદ બાલાકોટ હવાઇ હુમલાને અંજામ આપનાર વાયુદળના પ પાયલોટને સ્વાતંત્ર્ય દિવસના અવસરે વાયુસેના મેડલથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે, બાલાકોટ બાદ પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્ર અને સ્કવોડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. વાયુદળ વિંગ કમાન્ડર  અમિતરંજન, અમિતરંજન, સ્કવોડ્રન લીડર્સ રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી અને શશાંકસિંહને બાલાકોટમાં આતંકી જૂથ જૈશ-એ-મોહંમદના ઠેકાણા પર હુમલા બદલ સન્માનિત કરાશે. આ તમામ મિરાજ-2000 યુદ્ધ વિમાનના પાયલટ?છે. આ બધા પાયલોટે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશની છાવણીઓ પર સટિકતા સાથે ત્રાટકીને નેસ્તનાબૂદ કરી નાખી હતી. બાહોશ પાયલોટ્સ દુશ્મનને નુકસાન કરીને સુરક્ષિત ભારતીય સીમામાં પાછા ફર્યા હતા. વધુમાં મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ અપાશે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકે ભારત પર બદલાના નાપાક ઇરાદે હુમલાની કોશિશ કરી હતી, ત્યારે  ભારતીય વાયુદળે નાપાક પ્રયાસ નાકામ કરી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનની સેનાએ બાન પકડયા, ત્યારે પણ તે બહાદુરી સાથે વર્ત્યા હતા. ભારતના તીવ્ર રાજદ્વારી વલણને તાબે થતાં પાકે અંતે અભિનંદનને છોડી દેવા પડયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer