પૂર્વ કચ્છના ડીવાય એસપી સહિત 13 અધિકારીને પોલીસ મેડલનું બહુમાન

અમદાવાદ, તા. 14 : આવતીકાલે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે દેશ માટે આગવું યોગદાન આપનારા 946 પોલીસ કર્મચારીઓનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વિવિધ મેડલ આપીને બહુમાન કરાશે. જેમાં  પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. સૈયદ (કાજી) સહિત ગુજરાતના 13 પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ (પીપીએમ)થી ગાંધીનગર સી.આઇ.ડી. આઇ.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર  શૈલેશ ડી. રાવલને સન્માનિત કરાશે  જ્યારે પ્રશંસનીય કામગીરી માટે પોલીસ મેડલથી 12 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે જેમાં ભાવનગર જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક પી.એ. ઝાલા,  જામનગર, ચેલાના નાયબ પોલીસ અધીક્ષક એમ.એમ. પટેલ, પૂર્વ કચ્છ ગાંધીધામના નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. સૈયદ(કાજી) ઉપરાંત અમદાવાદ શહેરના નાયબ પોલીસ અધીક્ષક એ.એમ. પટેલ, કચ્છને સંલગ્ન જયંતી ભાનુશાલી હત્યા કેસની તપાસ સાથે જોડાયેલા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના નાયબ પોલીસ અધીક્ષક પી.પી. પીરોજિયા, આણંદ જિલ્લાના નાયબ પોલીસ અધીક્ષક આર.એલ. સોલંકી અને નાયબ પોલીસ અધીક્ષક બી.ડી. જાડેજા, પોલીસભવન ગાંધીનગરના પોલીસ સબઇન્સ્પેક્ટર એન.આર. સુથાર, મોટર ટ્રાન્સપોર્ટ વલસાડના પોલીસ સબઇન્સ્પેક્ટર  લલિતકુમાર રત્નાભાઇ મકવાણા તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સત્યપાલ એમ. તોરમ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના હેડ કોસ્ટેબલ  ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ  પ્રતાપજી સુખાજી ચૌહાણને પોલીસ મેડલથી સન્માનિત કરાશે. આ ઉપરાંત શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડા, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પ્રશંસનીય સેવા આપવા માટે  સચિનકુમાર નારણભાઇ ભગત, ઇન્દ્રસિંહ નવલસિંહ રાણા, પ્રફુલ્લભાઇ વીરજીભાઇ શિરોયા અને શારદા પરષોત્તમ ડાભીને મેડલ આપી સન્માનિત કરાશે. કચ્છમાં એકમાત્ર પૂર્વ કચ્છ પોલીસ બેડાંના એસસીએસટી સેલના નાયબ પોલીસવડા એવા શબીર અલી સૈયદ (કાજી)ને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયો હતો. વર્ષ 1993માં પીએસઆઇ તરીકે શ્રી સૈયદ પોલીસમાં જોડાયા હતા. 26 વર્ષની આ કામગીરીમાં છેલ્લે તેઓ જામનગર પી.આઇ. તરીકે હતા ત્યાંથી તા. 14/10/2017ના પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં આવ્યા હતા. એસસી એસટી સેલના ડીવાયએસપી શ્રી સૈયદ ગીત, કવિતા, શાયરીના શોખીન છે. આવતીકાલે નલિયા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં તેમને આ ચંદ્રક એનાયત કરવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer