પહેલી ટેસ્ટના પ્રારંભે કિવી ટીમની વહારે ટેલર

ગાલે (શ્રીલંકા), તા. 14 : શ્રીલંકા સામેની બે ટેસ્ટની શ્રેણી અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રારંભિક મેચના પહેલા દિવસે પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમના પ વિકેટે 203 રન થયા હતા. વરસાદને લીધે રમત વહેલી બંધ રહી ત્યારે અનુભવી કિવી બેટધર રોશ ટેલર 86 રને અને મિચેલ સેંટનર 8 રને ક્રીઝ પર હતા. શ્રીલંકા તરફથી તમામ પાંચ વિકેટ યુવા સ્પિનર અકિલા ધનંજયે લીધી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. જીત રાવલ (33) અને ટોમ લાથમ (30) વચ્ચે પહેલી વિકેટમાં 64 રનની ભાગીદારી થઇ હતી.  ઉપરાઉપરી ત્રણ વિકેટ પડવાથી કિવીઝનો સ્કોર 3 વિકેટે 71 રન થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન ઝીરોમાં પાછો ફર્યો હતો. ચોથી વિકેટમાં રોશ ટેલર અને હેનરી નિકોલ્સે મોરચો સંભાળીને 100 રનની ભાગીદારી કરી હતી. નિકોલ્સ 78 દડામાં 2 ચોગ્ગાથી 42 રને આઉટ થયો હતો. બાદમાં વિકેટકીપર વેટલિંગ(1) નિષ્ફળ રહ્યો હતો. ટેલરે શ્રીલંકાના બોલરોનો મજબૂતીથી સામનો કરીને એક છેડો સાચવી રાખ્યો હતો. તે પહેલાં દિવસની રમતના અંતે 131 દડામાં 6 ચોગ્ગાથી 86 રને અણનમ રહ્યો હતો. આથી ન્યૂઝીલેન્ડના 68 ઓવરમાં પ વિકેટે 203 રન થયા હતા. અકિલા ધનંજયે પ7 રનમાં પ વિકેટ લીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer