ભુજના સાતમ-આઠમના મેળાનો ઠેકો 7.11 લાખમાં

ભુજ, તા. 14 : શહેરમાં હમીરસર કિનારે યોજાતા સાતમ-આઠમના મેળાના ટેન્ડર આજે ખોલાતાં દીપાલી ગૃહઉદ્યોગને રૂા. 7.11 લાખમાં ત્રણ દિવસનો મેળો સોંપાયો હતો.  ગયા વર્ષે અપસેટ પ્રાઇઝથી વધુ મેળવવા સુધરાઇના સત્તાધીશોને છેલ્લી ઘડી  સુધી મહેનત કરવી પડી હતી પરંતુ આ વર્ષે હરીફો વધતાં 2.11 લાખનો ફાયદો થયો હતો. ભુજ સુધરાઇ દ્વારા સાતમ-આઠમ તેમજ રવિવાર મળી ત્રણ દિવસીય મેળાના ટેન્ડર મગાવાયા હતા. ગઇકાલે છેલ્લા દિવસે સાત પાર્ટીના આવેલા ટેન્ડર આજે સુધરાઇ કચેરી ખાતે કારોબારી સભ્યો અજય ગઢવી, મહિદીપાસિંહ જાડેજા, સહદેવાસિંહ જાડેજા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, શોપ ઇન્સ્પેકટર હિતેન્દ્રાસિંહ જાડેજા તેમજ ટેન્ડર ભરનારાઓની ઉપસ્થિતિમાં ખોલાયા હતા.  આમ તો દર વર્ષે ઓછા ટેન્ડર આવતા હોય છે અને છેલ્લી ઘડી સુધી યોગ્ય ભાવ મેળવવા સુધરાઇના સત્તાધીશોને કમર કસવી પડતી હોય છે, ત્યારે આ વર્ષે નવાઇની વચ્ચે સાત પાર્ટી જેમાં જલારામ સાઈકલ એન્ડ ગિફ્ટ ગેલેરી, જલારામ શેરડી, કાસમ એ. ચાકી, દેવ ટ્રાડિંગ, દીપાલી ગૃહઉદ્યોગ, અંશ કન્સ્ટ્રકશન, વાય.એચ.આર. મલ્ટિપલ સપ્લાય એન્ડ સર્વિસે મેળો લેવામાં રસ દાખવ્યો હતો અને ભાવો ભર્યા હતા.  ઉપરોકત ઇચ્છુકોમાં સૌથી વધુ ભાવ એકી આવાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કાસમભાઇ ચાકીએ ભર્યા હતા પરંતુ ટેન્ડરમાં દર્શાવાયેલા નિયમોનું પાલન ન થયું હોવાથી બીજા નંબરે 7.11 લાખ ભાવ ભરનાર દીપાલી ગૃહઉદ્યોગને મેળો સોંપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ સુધરાઇ દ્વારા અપસેટ પ્રાઇઝ પાંચ લાખ રખાઇ હતી. જેની સામે 2.11 લાખ વધુ આવક થઇ હતી. અલબત્ત આ ભાવનો બોજ સ્ટોલ ખરીદનારા પર ન આવે તેવી લાગણી અલગ-અલગ ધંધાર્થીઓમાં ફેલાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer