માંડવીના સમુદ્રમાં લાપતા બનેલી એ યુવતીનો મૃતદેહ ધ્રબુડી કાંઠે મળ્યો

ભુજ, તા. 14 : માંડવી શહેરમાં વિન્ડફાર્મ સ્થિત દરિયા કિનારે ગઇકાલે ઉછળતા મોજાઓ વચ્ચે મહેરામણના પાણીમાં ગરકાવ બનેલી ભુજ તાલુકાના અજરખપુર ગામની સમાબાનુ યુસુફ ખત્રી (ઉ.વ.18)નો મૃતદેહ આજે ધ્રબુડીના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ગઇકાલે બપોરે માંડવીની સહેલગાહે ગયા પછી વિન્ડફાર્મ સ્થિત દરિયા કિનારે નહાવા પડયા પછી સમાબાનુ લાપતા બની હતી. સાગરના પાણીમાં ગરકાવ થયેલી આ હતભાગીની વ્યાપક શોધખોળ છતાં કોઇ ભાળ મળી ન હતી. દરમ્યાન આજે સવારે આ યુવતીનો મૃતદેહ ધ્રબુડી સ્થિત સાગરકાંઠે તણાઇ આવેલો મળી આવ્યો હતો.  વહેલી સવારે આ લાશ મળ્યા બાદ તેને ભુજ લવાઇ હતી. હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ ભુજમાં કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે અન્ય બે યુવકો પણ વિન્ડફાર્મ ખાતે દરિયામાં ડૂબી રહ્યા હતા જેમને બચાવી લેવાયા હતા. જ્યારે ઉછળતા મોજાઓની સાથે ખેંચાઇ ગયેલી અજરખપુરની આ યુવતીને બચાવી શકાઇ ન હતી. - સર્પદંશથી તરુણનું મૃત્યુ  : બીજીબાજુ અબડાસામાં ડુમરા ગામના વાડી વિસ્તારમાં ગિરીશ મોહનલાલની વાડી ખાતે સર્પે દંશ દેતાં 13 વર્ષની વયના અભિષેક દિવાન મેઘવાળને મોત આંબી ગયું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ હતભાગી ખાટલા ઉપર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. બાદમાં માંડવી ખાતે હોસ્પિટલમાં તેણે દમ તોડયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer