નખત્રાણા ગ્રા.પં.ના મહિલા સરપંચનું અંતે રાજીનામું

નખત્રાણા, તા. 14 : જિલ્લાની સૌથી મોટી ગણાતી અહીંની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ  જિજ્ઞાબેન ભરતભાઇ સોનીએ આજે એકાએક તાલુકા વિકાસ અધિકારી પાસે રાજીનામું ધરી દેતાં અનેક તર્ક-વિતર્ક  થયા હતા. આ અંગે  જિજ્ઞાબેનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, રાજીનામાની વાત સાચી છે અને  મેં મારા અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. છેલ્લા અઢી વર્ષથી તેઓ સરપંચ તરીકે રહ્યા હતા. આ અઢી વર્ષના સમયગાળા દરમ્યાન વિકાસના કામો જેવા ચાર પાણી યોજના, રોડ લાઇટો સાથે પેટા ગામો બેરૂ, ગણેશનગર જ્યાં રોડ લાઇટો ન હતી ત્યાં રોડ લાઇટો સાથે પંચાયતના ટ્રેકટર્સ વસાવી ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવાની સાથે અનેક વિસ્તારોમાં ઇન્ટરલોક પાથરવાની કામગીરી કરી હતી તેમના અંગત કારણોસર તેઓએ રાજીનામું આપ્યું હતું. જો કે વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા અનુસાર ગઇકાલે 16 જેટલા સભ્યોએ નોટરી પાસે અવિશ્વાસની દરખાસ્ત તૈયાર કરાવી હતી. તેના પગલે રાજીનામું આપ્યું હોવાનું મનાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer