સરકારી ભાગીદારી સંદર્ભે બંદર કામદાર મહાસંઘે કરેલો અનુરોધ

ગાંધીધામ, તા. 14 : કેન્દ્ર સરકારની ન્યૂ પેન્શન યોજનામાં શિપિંગ મંત્રાલય હસ્તકની મહાબંદર સહિતની સ્વાયત્ત સંસ્થાઓની ભાગીદારી કેન્દ્ર સરકારની કચેરીઓની ભાગીદારી માફક કરવા ઓલ ઈન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ ફેડરેશન દ્વારા દિલ્હી કક્ષાએ ધા નાખવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2004 કે ત્યારબાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન સ્કિમ લાગુ કરવામાં આવી છે. વર્ષ 2019ના કેન્દ્રના ફાયનાન્સ સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કેન્દ્ર સરકારની કચેરીઓની ભાગીદારી 10 ટકાથી વધારી 14 ટકા કરવામાં આવી છે. આ પરિપત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેનો જ હોવાથી તેની જોગવાઈ  શિપિંગ મંત્રાલય હસ્કતના મહાબંદર સહિતની સ્વાયત્ત સંસ્થાઓમાં લાગુ કરવામાં આવતી નથી. હાલ મહાબંદરોની ભાગીદારી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાંના 10 ટકા જેટલી જ છે. કેન્દ્ર નાણામંત્રાલયમાં ખર્ચ વિભાગના સચિવને પાઠવાયેલા પત્રમાં ફેડરેશનના મહામંત્રી મનોહર બેલાણીએ કેન્દ્ર સરકારની માફક જ પેન્શન સ્કિમમાં મહાબંદરોની  ભાગીદારી હોવી જોઈએ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. આ મામલે શિપિંગ મંત્રાલયને તત્કાળ જરૂરી સૂચના આપવા રજૂઆત કરાઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer