નખત્રાણામાં ગાંડો બાવળ કાપવા માટે એન.ડી.આર.એફ.ની સેવા લેવાઈ !

સી.કે. પટેલ દ્વારા - નખત્રાણા, તા. 14 : ભયંકર આપત્તિની પડકારભરી પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરવા માટે ભારત સરકારે રચેલા વિશેષદળ એન.ડી.આર.એફ.ની સેવાઓ પશ્ચિમ કચ્છના નખત્રાણામાં ગાંડા બાવળો કાપવા માટે લેવામાં આવતાં વહીવટીતંત્રના આ પગલાંને લઈ આશ્ચર્ય સર્જાયું છે ! તાજેતરમાં નખત્રાણામાં પડેલા ભારે વરસાદમાં જાહેર માર્ગો અને પાણીના કુદરતી વહેણ પર થયેલા પારાવાર દબાણો અને ગાંડા બાવળોને કારણે  વરસાદી પાણીનો અટકાવ થતાં ગામમાં મોટી ખાનાખરાબી થઈ હતી જેને લઈ લોકોમાં આક્રોશ  ફેલાયો હતો. સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર અને પી.ડબલ્યુ.ડી.  દ્વારા સ્થાનિકે ચોમાસા પૂર્વેની  સફાઈ કામગીરી ન કરાતાં આ સમસ્યા સર્જાઈ હતી.   જનઆક્રોશને પગલે બીજા દિવસે  સરકારી તંત્ર `રાઉન્ડ'માં  નીકળેલું ત્યારે વરસાદી નુકસાન માટે ગેરકાયદે દબાણો અને છેલામાં ઉગી નીકળેલા ગાંડા બાવળો કારણભૂત હોવાનું જાહેર થતાં  ગાંડા બાવળોને દૂર કરવાની કામગીરી આદરવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે  વરસાદ ખમી ગયા પછી બે દિવસ બાદ ગાંડા બાવળ હટાવવા માટે વહીવટી તંત્રે સ્થાનિક પંચાયત તંત્ર પાસે દબાણપૂર્વક કામગીરી કરાવવાને બદલે નખત્રાણા વિસ્તારમાં પૂર પરિસ્થિતિને લઈ મોકલવામાં આવેલ એનડીઆરએફની ટીમની સેવા લેવામાં આવી હતી ! સામાન્ય ગાંડા બાવળ કાપવા માટે પણ જો એનડીઆરએફ ટીમની જરૂર પડે તો સ્થાનિક તંત્ર શાના માટે છે તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો  છે.  નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ કુદરતી આપત્તિઓ અને રાસાયણિક , જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ સંરક્ષણ (સીબીઆરએન)ની કટોકટીને પહોંચી વળવા માટેનું દેશનું વિશેષ દળ છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 હેઠળ તેનું ગઠન કરવામાં આવ્યું છે. ભયંકર કુદરતી આપત્તિઓની અસાધારણ પરિસ્થિતિમાં જ બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમને મોકલવામાં આવતી  હોય છે ત્યારે ગાંડા બાવળ કાપવાની કામગીરીમાં પણ નિષ્ફળ નીવડેલા સ્થાનિક તંત્રની કામગીરી આ ખાસ દળનાં માથે ઠોકી બેસાડવી એ કેટલે અંશે વાજબી છે ? નખત્રાણામાં ગાંડા બાવળો કાપવા માટે એનડીઆરએફ ટીમની લેવામાં આવેલી સેવાને લઇ સોશિયલ મીડિયામાં વહીવટી તંત્રની ભારે ટીકા થઇ રહી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer