પૂર્વ કચ્છના અનેક પોલીસ મથકોના લેન્ડલાઇન ફોન થઇ ગયા મૂંગા મંતર

ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છના અંજાર, રાપર, ભચાઉ, સામખિયાળી, ગાંધીધામ, આદિપુર વગેરે વિસ્તારોમાં ચોરી, હત્યા, લૂંટ, ચીલઝડપ જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. બીજી બાજુ પૂર્વ કચ્છના લગભગ તમામ પોલીસ મથકોના ફોન છેલ્લા કેટલાક સમયથી મૂંગા મંતર થઇ ગયા છે. જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીધામ, અંજાર, ભચાઉ, સામખિયાળી વગેરેમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં દિવસો દિવસ વધારો થતો આવ્યો છે. આવામાં સ્માર્ટ ગણાતા ભચાઉના પોલીસ મથકમાં લાંબા સમયથી લેન્ડલાઇન ફોન મૃત્યુ પામ્યો છે. આ અંગે અગાઉના પોલીસ અધિકારીઓ માથાં પછાડીને બદલી ગયા, પરંતુ આ ફોન ચાલુ ન થયો તે હજુય બંધ જ હાલતમાં છે. લાકડિયા, સામખિયાળી, દુધઇ, કંડલા, ભીમાસર (આડેસર)માં પણ વરસાદ પછી ફોન બંધ પડયા છે. છેવાડાના ખડીર અને બાલાસર પોલીસ મથકમાં તો હજુ લેન્ડલાઇન ફોનની સુવિધા જ ઉપલબ્ધ નથી કરાઇ. સરહદી એવા આ પોલીસ મથકોમાં નાગરિકોએ કોઇ ગુપ્ત બાતમી આપવી હોય તો કોને આપે તે પણ પ્રશ્ન છે. તો શહેરી વિસ્તારોમાં નશો કરીને પડયા રહેતા સાંગુડીઓના ત્રાસ અંગે લોકો કોને અને કેવી રીતે જાણ કરે, મારામારી, આગ અકસ્માત કે અન્ય કોઇ ગંભીર બનાવમાં લોકો પોલીસ સુધી પહોંચે કેમ તે પ્રશ્ન થઇ પડયો છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકિતને સાર્થક કરવા માટે ત્વરિત આ ફોન ચાલુ કરાવાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer