ખાનગી કંપની સામે જાડવાવાસીઓનું આંદોલન 11મા દિ''માં પ્રવેશ્યું

નલિયા, તા. 14 : સાંઘી સિમેન્ટ સામે વિવિધ?માગણીઓ સાથે ધરણાં પર ઊતરેલા જાડવા ગામના ગ્રામજનોનું આંદોલન 11મા દિવસમાં પ્રવેશ્યું છે. આંદોલનકારી ગ્રામજનોની મુખ્ય માગણીમાં ગ્રામજનોને રોજગારી છે. ગ્રામજનોના કહેવા અનુસાર હાલે જે શ્રમિકો કામ કરે છે તેને કાયમી કરવામાં આવતા નથી. સરકારી નિયમ પ્રમાણે વેતન મળતું નથી. કંપની જ્યારે આવી ત્યારે 80 ટકા સ્થાનિક લોકોની ભરતી કરવાની વાત હતી પણ 25 ટકા સ્થાનિકને પણ રોજગારી મળતી નથી. હાલે જે કામદારો કામ કરે છે તેમનો બીમારીના સમયે પણ પગાર કાપી લેવામાં આવે છે. સાંઘી કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવતું નથી. તાકીદના સમયે આરોગ્ય સેવા અને એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવતી નથી. સિમેન્ટ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, જેના કારણે લોકો બીમાર પડે છે. ખેતીની જમીન સિમેન્ટની રજના કારણે બિનઉપજાઉ બની ગઇ છે. ગૌચર જમીન અને નદીનાળા પર કંપની દ્વારા અવૈધ કબજો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની ભરતી થાય અને રોજીરોટી મળે તેવી આંદોલનકારીઓએ માગણી કરી છે. મોટી બેર સરપંચ જત મામદ સુમાર, બીજલ ખીમા રબારી, સરપંચ ખારઇ જૂથ ગ્રામ પંચાયત, રાવલ મીસરી જત સદસ્ય અબડાસા તાલુકા પંચાયત, અલી લાખા કેર, હાજી ઇસ્માઇલ કેર, અબ્દુલ્લા હસન જત, ડુંગર મંગલ રબારી, જંગા સાજી રબારી, ગાભા ભામુ રબારી, પેના જુમા રબારી વગેરે ધરણામાં જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer