ભચાઉ તાલુકાનાં અનેક ગામો બન્યા સમસ્યાગ્રસ્ત

મનસુખ ઠક્કર દ્વારા ભચાઉ, તા. 12 : તાલુકાભરમાં દોઢેક દિવસ મેઘમહેર બાદ અનેક ગ્ર્રામ્ય વિસ્તારોમાં નવમી ઓગસ્ટ બાદ વીજળી ગયા બાદ પુન: આવી ન હોવાથી પીવાનું પાણી, અનાજ દળવાની ઘંટી, મોબાઇલ સેવા, વાહન વ્યવહાર હજુ દુરસ્ત નથી થયા. તો ઘરાણા વિસ્તારનું તળાવ ઓવરફલો થવાથી કાદવકીચડની સમસ્યા ઊભી થઇ છે. સામખિયાળી, ભચાઉ, નંદગામ સુધીનાં ઔદ્યોગિક એકમોની વસાહતો, મજૂરોની ઝૂંપડપટ્ટી ગંદકીથી ખદબદી રહી છે, જે પાણીજન્ય બીમારીને જન્મ આપે એવી ભીતિ આ ઝૂંપડાઓના વાતાવરણની અસરરૂપે જોવાઇ રહી છે. ખારોઇ, મનફરાપટ્ટીનાં પંદરેક ગામ વીજ વિના તડપી રહ્યા છે. સમાંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસેનો સર્વિસ રોડ રેતી, કાંકરા, કાદવથી ભરાઇ ગયો હોઇ અકસ્મતાનો ભય સેવાઇ રહ્યો છે. મોટા ઔદ્યોગિક એકમો વરસાદ બાદની પરિસ્થિતિમાં મદદ કરવા ઓઝલ થઇ ગયા છે. દરમ્યાન વોંધ, લાકડિયા વચ્ચે ટ્રેક પર પડેલા ગાબડાંનું સમારકામ કરવા ચારસો મજૂરો, ટેકનિકલ સ્ટાફ, અધિકારી વર્ગ કામે લાગ્યા છે. વોંધ ખારી પર કચ્છમિત્રની ટીમે મુલાકાત લીધી હતી. સમાંતર જંકશન સામખિયાળી રેલવે સ્ટેશનની મુલાકાત દરમ્યાન ત્વરાએ પેસેન્જર, ગુડઝ ટ્રેન વ્યવહાર પૂર્વવત્ થાય તે માટે સમારકામનું જંકશન બની ગયું છે. સમારકામની સામગ્રી, ડીઝલ, પાણી વ્યવસ્થા, રાત્રિએ જનરેટર સેટ, કામની વહેંચણી, રાત્રિ- દિવસ મજૂરો, કર્મચારીઓ, અધિકારીઓની કામગીરીની ચહલપહલ દેખાઇ હતી. 9મીના નીકળેલી ભુજ દાદર-સામખિયાળી રોકાયેલી દેખાઇ હતી અને ત્રણેક ગુડઝ ટ્રેન પણ અહીં પડી છે. અમદાવાદ રેલવેના ડી.એમ. ટ્રોલી સાથે ટ્રેક પર નિદર્શન કરી રહ્યા છે. ભોપાલ, સુરેન્દ્રનગર, મોરબી, મેઘનગર, કટની, જબલપુર, ગંજબાબુથી કામદારો, કર્મચારીઓ રેલવે ઠેકેદારના માણસો જોશભેર કામે લાગ્યા છે. ત્યારે આ પ્રકારની નુકસાનીમાં સાવચેતી, સુરક્ષા સાથે ટ્રેકનું મજબૂતાઇ પૂર્વક કામ કરતા દેખાયા હતા. એ.ડબલ્યુ.આઇ. ગાંધીધામ, પી.ડબલ્યુ.આઇ, ચીરઇ, ભીમાસર, ભચાઉ, ચિત્રોડ, સામખિયાળીનાં કર્મચારીઓ આ કામમાં જોડાયા હતા. પાણી કેટલા વેગવંતા હશે તે આ ગાબડાં પરથી અનુમાન લગાવી શકાય તેમ છે. આ સાથે જ્યાં માનવજિંદગી અને કિંમતી માલ-સામાનની હેરફેર માટેના ટ્રેક મરંમત કરતા મજૂરોને બપોરે માત્ર ખારી ભાત પીરસવામાં આવતાં નારાજગી વ્યક્ત કરાઈ હતી. પીવાનું પાણી પણ સાંજે પાઉચ રૂપે ગરમ જેવું આપ્યું હતું. નજીકની હોટલવાળાએ ટોળાભેર પાણી પીવા ગયેલા કામદારોને ના કહેતાં ઠેઠ વોંધ રેલવે સ્ટેશન પર કામગીરી કરવી પડી હતી. સામખિયાળી સમસ્યા પાણી ઓસરી ગયા બાદ ટોલગેટનો ઇમરજન્સી વે રેતી કાંકરી, સૂકાયેલા કીચડથી ભરાયેલો છે. સ્ટોર, ભંગાર વસ્તુઓના ઢગલા ગંદકીથી ભરાયેલા છે, આવું જ આર.ટી.ઓ. કચેરીની સ્થિતિ છે. તેવામાં વાહનો કચેરી આસપાસ ગંદકી છે. પોલીસ સ્ટેશન સિક્સ લેન સર્વિસ રોડ પરનું આ મથક ગંદકી, પાણી પ્રવાહથી બાઉન્ડરી વોલ, હનુમાનજી મંદિર, બહારનો ઓટલો, નજીકનું વરસાદી માટેનું નાળું જોખમી બન્યું છે. ડિટેઇન કરેલા ફોરવ્હીલ ફંગોળાઇ પલટી ગયા છે. પોલીસ સ્ટેશન બહાર છેક દેખાય છે. બાઉન્ડરી વોલ તૂટી ગઇ છે. ઘરાણા તળાવનું પાણી અનરાધાર વરસાદની આવકને પગલે પાણીનો પ્રવાહ પોલીસ સ્ટેશનવાળા નાળાથી થઇ આગળ નીકળ્યો. જો ગામ તરફ ફંટાયો હોય તો મોટી નુકસાની-સમસ્યા ઊભી થાત એવું વન ખાતાના પૂર્વ કર્મચારી વજેરામભાઇ રાજગોરે કહ્યું હતું. આ પાણી સામખિયાળીમાં પૂર્વ સરપંચ દયારામ શંભુભાઇ સુંબડના રહેઠાણ ઘોડા-ગાય માટેના સ્થળથી ખેતરને રમણ-ભમણ કરી ચીરતું આગળ નીકળી ગયું. આવું પ્રથમવાર થયું હતું. અલબત્ત આવી પરિસ્થિતિમાં પણ?દયારામ મારાજ સામખિયાળીના લોકો માટે મદદરૂપ બનવા સક્રિય દેખાયા હતા. ખેતર સાફ થઇ ગયું હતું. ભવિષ્યમાં છાડવાડા-આંબલિયારા તરફ પાણીનો આટલો મોટો જથ્થો આડબંધ બાંધી સંગ્રહ કરાય તે જરૂરી છે તેવું ઉમેર્યું હતું. ચોબારીપટ્ટી અંધારામાં ગરકાવ મેઘપર, કુંજીસર, ચોબારી, મનફરા, ખારોઇ, રામવાવ, કૂડા, કકરવા નવમી તારીખથી અંધારામાં ગરકાવ છે. ખારોઇથી રૂપેશપુરીએ પોતાનું જનરેટર, અનાજની ઘંટી, ઇન્વેટર અને મોબાઇલ ચાર્જિંગ માટે ફ્રી સેવામાં લગાવી રાખ્યા છે. અલબત્ત આટલી મોટી વસ્તી માટે તેમની કામગીરી દાદ માગી લે તેવી હતી. વીજળીના કારણે મોટરો ન ચાલતાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. તાજા ભરાયેલા તળાવોનું પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક ગણાયું છે. બે દિવસ ચાંગ ડેમ ઓવરફલો થતાં કુંજીસરનો વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો એવું રાજુભાઇએ મુશ્કેલી વર્ણવતાં જણાવ્યું હતું. જિ.પં. સદસ્ય શામજીભાઇ આહીરે કહ્યું વજેપરથી આવતી વીજળી માટેના મોટા પોલ રામવાવ નજીક પડી ગયા છે તેથી તકલીફ વધી છે. વીજળી વિના જનજીવન ખોટકાઇ પડયું છે. કાંઠાળ ગામ બેહાલ આવી જ હાલત જંગી, વાંઢિયા, છાડવા, આમલિયારાની થઇ છે. ઘરાણા મુસીબતમાં ભચાઉથી 25 કિ.મી. દૂર આધોઇ નજીકનું ઘરાણા ગામ ખેતીવાડીની જમીન, 300 જેટલા ગાય-ભેંસ, બકરાં-ઘેટાંની ખુવારી, ઘરવખરી-ઊંચા ભાવ માટે સંગ્રહ કરી રાખેલું અનાજ, ખેતપેદાશ, ચરિયાણની કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. ઘરાણામાં સાત ફૂટ જેટલા પાણી ઘરોમાં, ગામમાં ફરી વળતા ભરાઇ રહ્યા હતા. ઠેઠ સામખિયાળી, વિજપાસર, કટારિયા સુધી પાણી થકી વિનાશ વેરનાર ઘરાણા તળાવના પાણી વીડી, ઘરાણા ગામના શું હાલ થયા હશે તે જાણી શકાય તેમ છે. ગ્રામજનોએ કહ્યું એમ ટી.ડી.ઓ. પંચાયતમાં આંટો મારી નીકળી ગયા. જિલ્લાનું તો ઠીક તાલુકાનું વહીવટી તંત્ર અહીં દેખાયું નથી. માર્ગોમાં કાદવ-કીચડના થર, મરેલાં દુર્ગંધ મારતા પશુઓ, ઘરની બાઉન્ડરી વોલ, દીવાલો તૂટી પડી છે. ઘરાણાને આફતગ્રસ્ત જાહેર કરી તરત સહાય ચૂકવાય, જિલ્લા કલેક્ટર ગામની મુલાકાત લે એવી માંગ જિલ્લા કોંગીના ઉપપ્રમુખ અને ભચાઉ ન.પા.ના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલાએ કરી હતી. પાંચેક હજારની જનવસ્તી છે. બધોય આધાર જમીન પર છે. બંધ-પાળા તૂટતાં ખેતીની જમીન ધોવાઇ ગઇ છે. તેમના મકાનો સાત-આઠ ફૂટ પાણીના ભરાવાથી બગડી ગયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer