સિનેજગતમાં ગુજરાતીઓનું પ્રદાન અદકેરું

સિનેજગતમાં ગુજરાતીઓનું પ્રદાન અદકેરું
ભુજ, તા.20 : સિનેમાનો સમાજ પર પ્રભાવ છે. કલાકારો સાંસ્કૃતિક પ્રચારકો છે અને આપણું ફિલ્મજગત સીમાડા તોડી ભારતને બહાર લઈ જાય છે એ રીતે આપણે વિશ્વના સાંસ્કૃતિક જગત પર મીઠું આક્રમણ કર્યું છે. સિનેમાના પાયાથી લઈને આજની તેની ઊંચાઈ પરના દરેક તબક્કે ગુજરાતીઓ-કચ્છીઓનું પ્રદાન હોવા છતાં તેની જાણ આજે બહુ ઓછાને છે. ગુજરાતીઓના આ પ્રદાનને દસ્તાવેજી રૂપે બહાર લાવવાની જરૂર છે એમ સિનેમાના પ્રખ્યાત દિગ્દર્શક, લેખક, કવિ સંજય છેલે અહીં કચ્છમિત્રના છેલ્લા 56 વર્ષથી કટાર લેખક રહેલા પ્રવીણભાઈ ઠક્કરના પુસ્તકના વિમોચન પ્રસંગે વિશેષ પ્રવચન આપતાં જણાવ્યું હતું. તેમણે પ્રવીણભાઈના ફિલ્મો વિશેના જ્ઞાનની પ્રશંસા કરવાની સાથે તેમના લાયબ્રેરીના સંગ્રહ તથા લેખોને પણ સૌપ્રથમ ડિજિટલાઈઝ કરીને ભાવિ પેઢી માટે વારસો આપવાનું સૂચવ્યું હતું. કચ્છમિત્રમાં `રજતપટના રંગ' કોલમ સ્વરૂપે 56 વર્ષ જેવા લાંબા ગાળાથી સતત સંકળાયેલા પીઢ ફિલ્મ કટાર લેખક પ્રવીણભાઈના સિનેતારિકાઓ વિશેના ચૂંટેલા લેખના સંગ્રહ `શ્યામ-શ્વેત સિનેયુગની તારિકા' પુસ્તકનું મુંબઈ બાદ ભુજમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઈ એન્કરવાલા અને જન્મભૂમિ જૂથના મુખ્ય તંત્રી કુંદનભાઈ વ્યાસના હસ્તે આજે વિમોચન કરાયું તે સાથે બોલીવૂડનો જૂનો યુગ જાણે જીવંત થયો હતો. આ પ્રસંગે સિને જગતની માહિતીના જ્ઞાનકોશ સમા સુભાષભાઇ છેડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સંજય છેલે ભુજમાં આવીને પિતૃભૂમિમાં આવ્યાનો ગર્વ થઈ રહ્યાના શબ્દો સાથે સીધું વિષયસંધાન કર્યું હતું અને અંગ્રેજીનું વાક્ય ટાંકયું હતું કે ફિલ્મ્સ આર ફોર ફ્રાઈડે, બુક્સ આર ફોરએવર (ફિલ્મો શુક્રવાર માટે હોય છે, પરંતુ પુસ્તકો હરહંમેશ માટે હોય છે). તેમણે ગુજરાતી પ્રજાની ગુજરાતીઓના પ્રદાનની નોંધ લેવાની ઉદાસીનતાને નિશાને લેતાં કહ્યું કે આપણે ગાંધીજી પર ગૌરવ લઈએ છીએ પરંતુ ગાંધીજીનો ગુજરાતી ભાષામાં અપાયેલો ઈન્ટરવ્યૂ આપણી પાસે ઉપલબ્ધ નથી. મહાન ગુજ્જુ કલાકાર સંજીવકુમારનોય ગુજરાતીમાં કોઇએ ઇન્ટરવ્યૂ કર્યો નથી. તેમણે ફિલ્મ જગતના રસપ્રદ પ્રસંગોસભર વક્તવ્ય આપીને શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. તેમણે પરેશ રાવલ જેવા મહાન કલાકારના યોગદાનને યાદ કર્યું હતું.સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઈ એન્કરવાલાએ પ્રવીણભાઈની કટારે કચ્છીજનોને ફિલ્મીજગતથી જોડી રાખ્યાનું કહીને જણાવ્યું કે કટારલેખકો અખબારનું મહત્ત્વનું અંગ હોય છે. પુસ્તકઆકારે પ્રવીણભાઈની અનેક માહિતીઓનું દસ્તાવેજીકરણ થઈ ગયું છે. જન્મભૂમિ જૂથના મુખ્યતંત્રી અને પીઢ પત્રકાર કુંદનભાઈ વ્યાસે આજે દરેક અખબારમાં પેજ-થ્રી એટલે કે મનોરંજન પેજ આપવાનું શરૂ થયું છે ત્યારે કચ્છમિત્રના તંત્રીઓની દીર્ઘદ્રષ્ટિના પરિણામે 56 વર્ષ પહેલાંથી કચ્છના અખબારમાં ફિલ્મ વિશેની કોલમ શરૂ થઈ તેની નોંધ લેતાં આજના સમયમાં અખબારોની આવી કોલમોનું સ્તર અશ્લીલ બની ગયાનું કહેતાં કુંદનભાઈએકહ્યું કે પ્રવીણભાઈની કોલમે માત્ર મનોરંજન જ નહીં, માહિતી પણ પ્રદાન કરી છે. જૂનાં ફિલ્મી કલાકારોની માહિતી તેમના વ્યક્તિત્વનો પરિચય આપતી હોવાનું કહેતાં તેમણે પ્રવીણભાઈના પરિવારને તેમની પાસે લાયબ્રેરીમાં સચવાયેલી અલભ્ય માહિતીનો હિન્દીમાં અનુવાદ કરાવવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે જો આમ થાય તો પ્રવીણભાઈની મહેનતથી આખો દેશ અવગત થઈ શકે તેમ છે. 32 વર્ષથી સિનેમાની માહિતીના સંગ્રાહક અને ભારતીય સિનેમાના ઈતિહાસના સંકલનકાર એવા મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેલા સુભાષ છેડાએ 1862થી અત્યાર સુધી મનોરજંનનો તબક્કાવાર ઈતિહાસ પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યો હતો.  તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે આપણે સૌ સિનેમામાં દાદા સાહેબ ફાળકેને જાણીએ છીએ પરંતુ તેમના પહેલાં આવો પ્રયોગ 1892માં પટવર્ધન બ્રધર્સે પ્રોજેકટર દ્વારા કરી બતાવ્યો હતો. સિનેમાને લગતી અનેક અજાણી બાબતો પરથી પરદો ઊંચકતાં શ્રી છેડાએ કહ્યું કે સિનેમામાં અભિનેત્રીઓનું અદકેરું પ્રદાન રહેલું છે અને અભિનેતાઓને નથી મળ્યા એટલા એવોર્ડ અભિનેત્રીઓને મળ્યા હોવાથી પ્રવીણભાઈએ યથાર્થ રીતે તેમના પુસ્તકને અભિનેત્રીઓ કેન્દ્રિત રાખ્યું છે. પીઢ પત્રકાર અને કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં પુસ્તક વિમોચન કાર્યક્રમને પ્રવીણભાઈના કાર્યને પોંખવાનો અવસર લેખાવ્યો હતો. પ્રવીણભાઈએ વિવાદથી પર રહીને ભાષા પરનું પ્રભુત્વ સાબિત કર્યું છે એમ કહીને તેમણે કહ્યું કે જો લેખવા બેસીએ તો પ્રવીણભાઈના 2500થી 3000 જેટલા લેખ થાય એ એક સિદ્ધિસમાન છે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે પોતાના પૂર્તિસંપાદકના કાર્યકાળ દરમ્યાનના પ્રવીણભાઈ સાથેના સંભારણાં મમળાવતાં તેમના દિવાળી અંકના લેખો વૈવિધ્યપૂર્ણ વિષય ધરાવતા હોવાથી આવા લેખોના અલગ પુસ્તકનું પણ સૂચન કર્યું હતું. કચ્છમિત્રના મેનેજર શૈલેષભાઈ કંસારાએ પ્રવીણભાઈના લેખનકાર્યને બિરદાવી પુસ્તક વિમોચનને સૌરાષ્ટ્રટ્રસ્ટ માટે પણ ગૌરવનો પ્રસંગ લેખાવ્યો હતો.કચ્છમિત્રના પૂર્વ મેનેજર સુરેશભાઈ શાહે પ્રવીણભાઈની સફળતા પાછળ તેમને દરેક રીતે મદદરૂપ બનેલા તેમના પત્નીનો ફાળો મહત્ત્વનો હોવાનું કહી  શ્રી ઠક્કર સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં. આ પ્રસંગે કચ્છમિત્ર તરફથી લેખક  પ્રવીણભાઈનું વિશેષ સન્માન દામજીભાઈ અને કુંદનભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું .તંત્રી દીપકભાઈએ લેખકના સન્માનની કરેલી `સરપ્રાઈઝ' જાહેરાતને તાળીઓથી વધાવી લેવામાં આવી હતી. આ પહેલાં લેખકના લઘુબંધુ અને રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કરે પુસ્તક તથા લેખકનો શાબ્દિક પરિચય આપ્યો હતો. લેખકના પત્ની મૃદુલાબેન ઠક્કર, કવિતાબેન ઠક્કર, સોહમ ઠક્કર, દુષ્યંત નવીન ઠક્કર, પુનિત અને જૈનિત ઘનશ્યામ ઠક્કર સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંચાલનનો દોર રસાળ રીતે સંભાળનારા પ્રવીણભાઈના પુત્રી-જમાઈ ડો.અલ્પા લાખાણી અને ડો.કિશોર લાખાણીએ પરિવારના મોભી તરીકે તેમના ત્રી કેળવણી તરફની દીર્ઘદ્રષ્ટિને તે વખતના સમાજના માનસિક વલણના પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક લેખાવી હતી.. કટાર લેખકનાં પુત્રીએ કહ્યું હતું કે, સંતાનોને આઝાદી આપી હતી છતાં ઉછેરમાં પિતાએ કોઇ કચાશ ન્હોતી રાખી. પિતા તરફથી શૈશવમાં સ્નેહનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. ઘનશ્યામભાઈ ઠક્કરે આભારવિધિ કરી હતી. સત્યમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ દીપી ઊઠયો હતો. આ પ્રસંગે ગણમાન્ય શ્રોતાગણ ઉપસ્થિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer