સંસ્કારિતા સાથેનું પત્રકારત્વ `કચ્છમિત્ર''ની મૂડી

સંસ્કારિતા સાથેનું પત્રકારત્વ `કચ્છમિત્ર''ની મૂડી
ભુજ, તા. 20 : અખબારી ક્ષેત્રે બીબાંઢાળ પદ્ધતિને બદલે કંઇક નાવિન્ય સાથે અનોખી ભાત સાથે વાંચનસામગ્રી પીરસવામાં આવે તેવા વર્તમાનપત્રોની માંગ સતત વધતી જ જાય છે અને કચ્છમિત્ર સહિતનાં જન્મભૂમિ જૂથનાં અખબારો તો નોખી ભાત ઉપરાંત સંસ્કારી વારસા સાથે વાચકોનો વિશ્વાસ સંપાદન કરી ચૂકયા હોવાથી ગમે તેવી ગળાકાપ સ્પર્ધા વચ્ચે પણ તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો રહ્યો છે અને ઊંચો રહેવાનો તેવું શનિવારે 72 વર્ષની અખબારી ક્ષેત્રની નિષ્કલંક મજલ કાપીને 73મા વર્ષમાં પ્રવેશી રહેલા કચ્છના લોકપ્રિય, નિષ્પક્ષ, તટસ્થ અને બળૂકા બેલી સમા દૈનિક `કચ્છમિત્ર'ના જન્મદિને આયોજિત કચ્છમિત્ર પરિવાર સાથેના મિલનમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન અને કચ્છના જાણીતા દાનવીર ઉદ્યોગપતિ દામજીભાઇ એન્કરવાલાએ સૌને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું. જન્મભૂમિ જૂથના સી.ઇ.ઓ. અને મુખ્ય તંત્રી કુંદનભાઇ વ્યાસની ઉપસ્થિતિમાં 73મા વર્ષમાં પ્રવેશ ટાંકણે 72 પાનાની વૈવિધ્યસભર સામગ્રી સાથેનો દળદાર અંક આપનાર કચ્છમિત્ર પરિવારની સફળતાને બિરદાવવા માટેનાં સ્નેહમિલનનાં અધ્યક્ષપદેથી બોલતાં શ્રી એન્કરવાલાએ કચ્છમાં ખેંચાઇ રહેલા વરસાદને રીઝવવા સૌપ્રથમ શ્રીકાર વરસાદ માટેની પ્રાર્થના પર જોર આપી જીવદયાક્ષેત્રની પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને બાદમાં ઉપસ્થિત કચ્છમિત્ર પરિવારને સંબોધતાં કહ્યું હતું કે, અખબારી સંસ્કારો જાળવીને વિકાસ થઇ રહ્યો હોવાથી જ આવી સફળતા મળે છે. સમગ્ર જન્મભૂમિ જૂથનું અસ્તિત્વ જ સંસ્કારી પત્રકારત્વ પર ઊભું છે. જૂથના પૂર્વસૂરીઓએ નાખેલો પાયો અને એમના જ માર્ગદર્શનથી `કચ્છમિત્ર' સહિતના જૂથના અખબારો હજુ વધુ વિકાસ પામશે તેવો આશાવાદ પણ દર્શાવ્યો હતો. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ?માંકડ, મેનેજર શૈલેષભાઇ કંસારા તથા અલગ અલગ વિભાગોના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિવાળા મિલનમાં કેક કાપીને 73મા વર્ષના પદાર્પણને તાળીઓથી વધાવાયું હતું. આ પ્રસંગે ખાસ મુંબઇથી આવી પહોંચેલા જૂથના સી.ઇ.ઓ. અને મુખ્ય તંત્રી કુંદનભાઇ વ્યાસે `કચ્છમિત્ર' પત્ર નહીં મિત્ર એ સૂત્રને સુપેરે સાર્થક કર્યું હોવાની લાગણી દર્શાવી,કચ્છમાં તાલુકે-તાલુકે અખબારનો સ્થાપનાદિન ઊજવાય છે એ જ દર્શાવે છે કે આ ન્યૂઝપેપરનું લોકહૃદયમાં કેટલું ઊંડું સ્થાન છે. `કચ્છ બ્રાન્ડ' શીર્ષક સાથેની ચાર અલગ-અલગ પૂર્તિઓની સવિશેષ સરાહના કરતાં આ નીવડેલા પત્રકાર-તંત્રીએ સમગ્ર અખબારની એકજૂટતા, સંપ અને ભાઇચારાની ભાવના થકી જ આવું કામ થાય તેવું કહીને સૌની પીઠ?થાબડી હતી અને `કચ્છમિત્ર'નું સ્થાન સમગ્ર જન્મભૂમિ જૂથમાં કલગી સમાન ગણાવ્યું હતું. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે કચ્છમિત્રએ ગામેગામની લોકચાહના થકી જિલ્લામાં મજબૂત રીતે અવ્વલ સ્થાન જાળવી રાખ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સંસ્કારો અને પૂર્વજોનો વારસો જાળવવાનો હર્ષ દર્શાવી કચ્છમિત્રના કર્મચારીઓ ઝનૂનપૂર્વક કામ કરે છે તેથી દરેકના યોગદાન થકી કચ્છમિત્ર શિરમોર હોવાનું જણાવ્યું હતું. સ્નેહમિલનના અંતિમ ચરણમાં પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કચ્છમિત્રના વિવિધ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer