કચ્છની દુઆ-પ્રાર્થના સાંભળી મેઘરાજા પહોંચ્યા...

કચ્છની દુઆ-પ્રાર્થના સાંભળી મેઘરાજા પહોંચ્યા...
ભુજ, તા. 20 : અષાઢ વદ ત્રીજને શુકનવંતી બનાવી દિન ઢળે એ પહેલાં જ મલપતી ચાલે સરહદી કચ્છની વાધોડ લેવા પહોંચી આવેલા મેઘરાજાએ લોકપ્રિય દૈનિક `કચ્છમિત્ર'ના જન્મદિનનું પણ શુકન સાચવ્યું અને રાપર-અંજાર તાલુકામાં જીવ ઠારે તેવા ઝાપટાં વરસાવતાં એક તરફ મેઘમલ્હાર પૂરા સાજ સજીને રેલાય તેવી આશાઓએ કચ્છીઓના જીવમાં જીવ લાવી દીધો છે. બીજીતરફ આ પધરામણી `મંઢા મી'ની પોતાની જૂની છાપ અનુસાર હોવાથી ત્રણ-ચાર ચોમાસાથી તરસ્યા આખે આખા કચ્છમાં હવે ધ્રોસટ, શ્રીકાર, ચિક્કાર, સચરાચર વરસે તેવી દુઆ-પ્રાર્થના-અરદાસ શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે તદ્દન મોઢું ફેરવી ગયેલા મેઘરાજાએ એ અગાઉના બે ચોમાસા પણ સંતોષજનક ન વરસાવતાં રહેલી અધૂરપનો ઉચાટ આ વખતે ચોમાસાના મંડાણમાં જ વિલંબ થતાં તરેહ તરેહની નકારાત્મક કલ્પનાઓ જાગી રહી હતી ત્યારે આજે મુંદરા તા.ના બાબિયા ગામે વરસેલા મેઘરાજાએ પોતાની છડી પોકારી હતી અને આખો તાલુકો કોરોધાકોર રહ્યો હતો. બાબિયાથી યુવરાજસિંહ વાઘેલાએ મુંદરા બ્યૂરોને સૌપ્રથમ આ શુકનવંતી પધરામણીની વિગત આપી હતી. મેઘરાજાના બીજા વાવડ નાની બન્નીમાંથી સમી સાંજે આવ્યા હતા. નખત્રાણા બ્યૂરોએ આપેલી વિગતો અનુસાર લુડબાય, ઉઠંગડીથી જબ્બાર જતે ભારે ધીંગા ઝાપટાઓથી નાની બન્ની પર રીતસર હરખ વરસ્યું હતું તેવું જણાવ્યું હતું. મેઘરાજાની એન્ટ્રી કચ્છમાં થઈ ચૂકી હોવાનું ધીમેધીમે સ્પષ્ટ થાય એ પહેલાં જ ધુબાકાભેર અંજારમાં હાજરી પુરાવનારા મેઘરાજાએ વિતેલા બે દિવસના ઉકળાટનો અંત આણી દીધો હતો અને એકાદ ઈંચથી વધુ વરસાદ થઈ જતાં લોકો મન મૂકીને મહાલવા નીકળી પડયા હતા. શહેરના તળાવોમાં પણ નવા નીરનું આગમન થયું હતું. ગ્રામ્ય વિસ્તાર પણ ધીંગીધારે પલળ્યો હોવાનું અંજાર બ્યૂરોએ જણાવ્યું હતું. અંજાર તાલુકાના ટપ્પર વિસ્તારમાં લોકસંપર્ક કરી રહેલા પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે રાત્રે કચ્છમિત્રને ફોન કરીને જણાવ્યું કે, કચ્છમાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી તેવું લાગે છે. આજે 8.30 વાગ્યા પછી ટપ્પર, લાખાપર, લિયાસર, ભીમાસર, પશુડા,સોમાણીનગર, વગેરે વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સતત 20 મિનિટ પોતે હાજર હતા ત્યાં સુધી તો જોરદાર આકાશમાંથી ઝડી       વરસી હતી. વરસાદ માટે તરસ્યા કચ્છી લોકો હવે મેઘરાજાને વીનવવા ઠેર-ઠેર પ્રાર્થના-દુઆ કરી રહ્યા છે ત્યારે ભલે મોડે મોડે પણ પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હોય તેમ મહેર કરવાનું ચાલુ કર્યું છે. અને વાતાવરણ જોતાં આખા કચ્છ ઉપર વરસે તેવું લાગી રહ્યું છે એમ શ્રી આહીરે ઉમેર્યું હતું. પૂર્વથી આગળ વધેલા મેઘરાજાએ ગાજ-વીજ સાથે ભુજમાં પણ સાડા નવેક વાગ્યાની આસપાસ એન્ટ્રી કરી હતી જો કે જિલ્લા મથકે એનું જોર ખૂબ જ નબળું હતું પણ રાપરને શાતા વળે તેવા ઝાપટા મળ્યા હતા. રાપર બ્યૂરોના હેવાલ અનુસાર છેલ્લા કેટલાય દિવસના ગરમી અને ઉકળાટ બાદ આજે રાત્રે 8 વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ખેડૂતો કેટલાય દિવસથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા જો વરસાદ ન પડત તો વાવેલો પાક બળી જવાની ભીતી હતી. વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ હતા અને હાશકારો અનુભવ્યો હતો. હવન, પ્રાર્થના વિગેરે બાદ આખરે મેઘ મહેરબાન થયો અને મોટા વિરામ બાદ ફરી રાપરમાં મેઘરાજાની પધરામણી થઇ તેવું લોકો કહેતા હતા. શહેરમાં રાત્રે ઠંડા પવન સાથે ધીમી ધારે શરૂઆત બાદ વરસાદની ગતિ સમય સાથે વધવા માંડી હતી. જોતજોતામાં શહેરના માલી ચોક વિસ્તાર, ભૂતીયા કોઠા, સેલારી નાકા, અથમડા નાકા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. અડધા કલાકથી વધુ સમય વરસાદ ચાલુ રહ્યો હતો. દરમ્યાન વીજ પુરવઠો બંધ અને શહેરમાં અંધારપટ છવાયું હતું. રાપર તાલુકાના બેલા, વ્રજવાણી, આણંદપરમાં વાવણી લાયક વરસાદ થયો હોવાનું ખેડૂત અગ્રણી ગોવાભાઇ પટેલે જણાવ્યું હતું. ધમડકા (તા. અંજાર)માં અર્ધો ઇંચ વરસાદ થયો હોવાનું પ્રતિનિધિએ જણાવ્યુ હતું. દુધઇમાં સાંજે 7-30થી ગાજવીજ સાથે વરસાદની હેલી વરસતાં આભમાંથી પોણા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. આ વરસાદના પગલે વીજળી ગુલ થઇ ગઇ હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું અંજાર તાલુકાના સતાપર, લાખાપર, આંબાપરમાંયે અડધોથી પોણો કલાક વરસેલા વરસાદથી અડધા ઇંચ પાણી પડયું હોવાનું પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ભચાઉમાં આજે સાંજે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. નગરના રસ્તાઓ પાણીથી ભીના થઈ ગયા હતા. નાના બાળકો ઘર બહાર શેરીઓમાં નહાવા નીકળી પડયા હતા. રાબેતા મુજબ વીજળી ગુલ થઈ ગઈ હતી. મેઘમહેર બની રહે તેવી પ્રાર્થના લોકોએ કરી હતી પરંતુ માત્ર ઝાપટાથી સંતોષ માનવો પડયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer