મુંબઈમાં વધુ એક કચ્છી યુવાનનો આપઘાત

મુંબઈમાં વધુ એક કચ્છી યુવાનનો આપઘાત
મુંબઈ, તા. 20 : શુક્રવારે માટુંગાના કચ્છી વેપારી હિતેન દેઢિયાએ આપઘાત કરતા મુંબઈનો કચ્છી સમાજ અત્યારે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 10 જુલાઈના માટુંગામાં બિલ્ડર મુકેશ સાવલાએ આપઘાત ર્ક્યો હતો અને એ પછી પાર્થ સોમાણી નામના કચ્છી તરુણે સી-લિંકના દરિયામાં ઝંપલાવ્યું હતું. હિતેન દેઢિયાના આપઘાત સાથે મુંબઈના કચ્છી સમાજમાં છેલ્લા નવ દિવસમાં આપઘાતની ત્રણ કરુણ ઘટના બની છે. માટુંગામાં તેલંગ રોડ પર હરિમંગલ બિલ્ડિંગમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ (કવીઓ) સમાજના હિતેન મૂલચંદ નાનજી દેઢિયા (ગામ ગઢશીશા)એ શુક્રવારે વરલી સી-ફેસના દરિયામાં ઝંપલાવીને આપઘાત ર્ક્યો હતો. તેનો મૃતદેહ શનિવારે મળ્યો હતો. હિતેન દેઢિયાએ ક્રિકેટના જુગારને કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે, પણ તેના સગા કાકા રમણીકભાઈ દેઢિયાએ કહ્યું હતું કે એ ટેન્શનમાં જરૂર હતો, પણ એનું કારણ ક્રિકેટનો સટ્ટો હતો એની અમને ખબર નથી. મૃતદેહ આખી રાત દરિયામાં તરતો હોવાથી ફૂલી ગયો હતો. શનિવારે આ લાશ તરતી તરતી દક્ષિણ મુંબઈના કિનારા પાસે પહોંચી હતી. કોઈની નજરે ચઢી હતી. શરીર પર ઘા પણ હતા, પરંતુ એ ઘા દરિયાનાં પથ્થરોના હોવાનું મનાય છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ જે. જે. હોસ્પિટલમાં થયું હતું. હિતેનના કાકાએ `જન્મભૂમિપત્રો'ને કહ્યું હતું કે છેલ્લા એક-દોઢ મહિનાથી એકદમ ટેન્શનમાં રહેતો હતો અને તેને શું ટેન્શન છે એ પણ કોઈને જણાવતો ન હતો. શુક્રવારે સવારે હું થોડી વારમાં આવું છું કહીને એ ઘરેથી નીકળ્યો હતો. બપોર પછી એના બન્ને મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા. સાંજે સાત સુધી એ પાછો ન આવતાં અમે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે શનિવારે બપોરે બે વાગ્યે અમને જે. જે. હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને ત્યાં જઈને તેનાં કપડાં, પાકિટ અને કાર્ડ પરથી તેની ઓળખ કરી હતી. હિતેનના કાકાએ કહ્યું હતું કે તેણે વરલી સી-ફેસ વિસ્તારમાંથી દરિયામાં ઝંપલાવ્યું હતું. તેની વસઈમાં સ્ટીલનાં વાસણો બનાવવાની ફેક્ટરી હતી અને ધંધામાં બન્ને ભાઈ સાથે જ હતા. તેમણે કહ્યું હતું કે તેને વોલીબોલ અને ક્રિકેટનો ભારે ચસકો હતો, પણ તે ક્રિકેટનો જુગાર રમતો હતો એની અમને ખબર પણ નથી. આ અમે પહેલીવાર સાંભળીએ છીએ. હિતેન તેની પત્ની, બે બાળકો અને માતા સાથે રહેતો હતો. હિતેનભાઈ પરિણીત હતા. તેમનાં પત્ની શેરડી (માંડવી)ના વતની છે. તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. હિતેનભાઈ ગામના વોલીબોલના સારા ખેલાડી હતા અને કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજ યોજિત ટુર્નામેન્ટોમાં છેલ્લાં દસ-બાર વર્ષથી ભાગ લેતા હતા. તેઓ માટુંગામાં હરિમંગલ મનોહર બિલ્ડિંગમાં રહેતા હતા. તેમના સાસરા પક્ષમાં ગઈકાલે નજીકના સંબંધીનું મૃત્યુ થયું હતું એટલે પરિવારમાં બે જણનાં મૃત્યુ થયા છે.    પવઈમાં વૃદ્ધાએ 19મા માળેથી  નીચે ઝંપલાવી આપઘાત ર્ક્યો  મુંબઈ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : પવઈમાં રહેતાં 71 વર્ષની એક મહિલાએ બીમારીથી કંટાળીને શનિવારે પોતાના 19મા માળના ફ્લેટમાંથી નીચે ઝંપલાવી આપઘાત ર્ક્યો હતો. આ ઘટના શનિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃદુલા ભટ્ટાચાર્યએ ઘરની બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. તેઓ હીરાનંદાની વિસ્તારમાં નોરિટા નામની બિલ્ડિંગમાં દીકરાના પરિવાર સાથે રહેતાં હતાં. પોલીસે કહ્યું હતું કે એક તો મૃદુલા ભટ્ટાચાર્ય બીમારીને કારણે જીવનથી કંટાળી ગયાં હતાં અને બીજું એમના નજીકના સંબંધીને કેન્સર થયું હોવાથી તાણમાં પણ આવી ગયા હતા. ફ્લેટમાંથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. મૃતકનો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અગ્રણી કન્સ્ટ્રકશન કંપનીમાં નોકરી કરતો હતો. ઘટના બની ત્યારે દીકરો અને અન્ય પરિવારના સભ્યો ઘરમાં જ હતા. બિલ્ડિંગના વોચમેને મૃદુલા ભટ્ટાચાર્યને નીચે પડેલાં જોયાં હતાં અને તેણે પરિવારને જાણ કરી હતી. તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પણ ડોક્ટોરોએ તેમને મૃત ઘોષિત ર્ક્યાં હતા. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.    મુંબઈના કચ્છીઓ માટે કપરો સમય  - 10 જુલાઈ, 2019 : માટુંગાના કચ્છી વીસા ઓસવાલ સમાજના મુકેશ સાવલાએ 15મા માળેથી ઝંપલાવી સુસાઈડ ર્ક્યું. - 12, જુલાઈ, 2019 : મુલુંડમાં કચ્છી માહેશ્વરી સમાજની હોસ્ટેલમાં રહેતા મૂળ ભુજના પાર્થ સોમાણીએ બાંદ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું. - 19, જુલાઈ, 2019 : માટુંગામાં તેલંગ રોડ પર રહેતા કચ્છી વીસા ઓસવાલ સમાજના હિતેન દેઢિયાએ વરલીના દરિયામાં ઝંપલાવ્યું. તેનો મૃતદેહ શનિવારે (ગઈકાલે) મળ્યો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer