ભુજમાં ચીલઝડપ સાથે લૂંટ કરનારો છકડાનો ચાલક આરોપી ઝડપાયો

ભુજમાં ચીલઝડપ સાથે લૂંટ કરનારો છકડાનો ચાલક આરોપી ઝડપાયો
ભુજ, તા. 20 : શહેરમાં સંજોગનગર નજીકના વિસ્તારમાં મોટાપીર રોડ ખાતે ગઢશીશાવાસી પાસેથી સોનાની ચેઇન સહિતની માલમતાની લૂંટ સાથે ચીલઝડપ કરનારા આરોપી ભુજના ઇકબાલ મુસા કુંભારને પોલીસે ઝડપી પાડયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે કડીબદ્ધ પગલાં લેવા સાથે કરેલા આ ગુનાશોધનમાં ભુજમાં જૂની જેલ પાછળ મચ્છીયારા ફળિયામાં રહેતા ઇકબાલ કુંભારની ધરપકડ કરી હતી. આ ઇસમ પાસેથી રૂા. 85 હજારની કિંમતની સોનાની ચેઇન, રૂા. 70 હજારની કિંમતનો છકડો, રોકડા રૂપિયા 1600 સહિતની માલમતા કબજે કરવામાં આવી હતી. સત્તાવાર સાધનોએ આપેલી જાણકારી મુજબ માંડવી તાલુકાના ગઢશીશા ગામના રહેવાસી જિતેન્દ્ર લાલજીભાઇ મહેતા ગત તા. 16/5 ના તેમની પુત્રીને મૂકવા માટે ભુજ રેલ્વે સ્ટેશને આવ્યા હતા. પરત જયુબિલી ગ્રાઉન્ડ આવવા માટે તેમણે ઇકબાલની રિક્ષા ભાડે કરી હતી. આ પછી ઇકબાલે રિક્ષા ભળતા માર્ગે એરપોર્ટ રીંગરોડથી લઇ જઇને મોટાપીર ચાર રસ્તા સ્થિત સૂમસામ જગ્યાએ રિક્ષા ઊભી રાખી તેમની પાસેથી લૂંટ ચલાવાઇ હતી. આ વિશે થોડા દિવસો પહેલાં એ. ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થયો હતો. દરમ્યાન આજે ભુજમાં ડાંડા બજાર રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપીને પોલીસે પકડી પાડયો હતો. આ પછી તેને એ. ડિવિઝન પોલીસને સોંપાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer