ભચાઉ પાસે નર્મદા કેનાલમાં બે બાળક ડૂબ્યાં

ભચાઉ પાસે નર્મદા કેનાલમાં બે બાળક ડૂબ્યાં
ગાંધીધામ, તા. 20 : ભચાઉ નજીક લોધેશ્વર પાસે નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાં ભચાઉના સદામ ફિરોઝ શેખ (ઉ.12) અને રવિ રમેશભાઈ વાલ્મીકિ (ઉ.15)નું ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવને પગલે  ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે નર્મદાની બ્રાંચ  કેનાલમાં આજે સવારે 11 વાગ્યાના અરસામાં બાળકો ન્હાવા પડયા હતા. દરમ્યાન  રવિભાઈ અચાનક ડૂબવા લાગતા  બાળકોએ  મદદ માટે ચીસાચીસ કરી હતી. અલબત્ત કોઈ પ્રકારની મદદ ન મળતા   સદામ ફિરોઝ શેખ તેને  બચાવવા  માટે કૂદી પડયો હતો. ત્યાર બાદ તે પણ ડૂબવા લાગ્યો હતો. રબારીવાસના આ બંને બાળકોને શોધવા માટે  સ્થાનિક વહીવટીતંત્રે પ્રયાસ હાથ ધર્યા હતા. અમારા પ્રતિનિધિ કમલેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિતના અગ્રણી બનાવ સ્થળે ધસી ગયા હતા અને બાળકોને બહાર કાઢીને તેને આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડયા હતા જ્યાં તબીબે  આ બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને  પગલે  શ્રમજીવી  પરિવાર ઉપર આભ ફાટી  પડયું હતું. માતા પિતાના રૂદનથી આરોગ્ય કેન્દ્ર ખાતે ગમગીની ભર્યો  માહોલ  સર્જાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતમહિને રાપર તાલુકાના  ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના  નવા નીરે ન્હાવા પડેલા 3 બાળકોનો  ભોગ લીધો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer