પેન્શનરના મૂક-બધિરને પેન્શન મળી શકે

ભુજ, તા. 20 : કલ્યાણ રાજ્યના આદર્શને વરેલી આપણી લોકશાહી શાસન પ્રણાલીના પાયામાં દરેક માણસનું આત્મગૌરવ જળવાય તે મહત્વની બાબત છે. માણસ તરીકેનું સન્માન અને હૂંફ પામવાનો અધિકાર દરેક વ્યક્તિને સમાન રીતે મળે તે જરૂરી છે. રાજ્યસરકાર દિવ્યાંગો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે અવસાન પામેલા નિવૃત્ત સરકારી કર્મચારીના મૂક-બધિર સંતાનોના કિસ્સામાં આજીવન કુટુંબ પેન્શન આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે લીધેલો નિર્ણય સિમાચિહ્ન બની રહેશે. ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે મૂક-બધિર એવા મહેશભાઈ દવેને જિલ્લા તિજોરી કચેરી, ભુજનો કુટુંબ પેન્શન મંજૂરી પત્ર અર્પણ કરાતાં આ પ્રકરણમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો અને રજૂઆતો રંગ લાવ્યા છે. જિલ્લા તિજોરી અધિકારી શ્રી બાદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવિંદભાઈ રોહડિયા, દિવ્યાંગના સગાભાઈ દિનેશભાઈ દવે, ભત્રીજી રિદ્ધિબેન દવેની ઉપસ્થિતિમાં મૂક-બધિર મહેશભાઈ દવેને કુટુંબ પેન્શનનો મંજૂરીપત્ર અર્પણ કરાતાં કુટુંબીજનો દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓનું મોં મીઠું કરાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટનાની પૂર્વ હકીકત એવા પ્રકારની હતી કે, મૂક-બધિર મહેશભાઈ દવેના ભાઈ દિનેશભાઈ દવે અને ભત્રીજી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એવી રજૂઆત મળી હતી કે, સ્વ. બી. બી. દવે સરકારી કર્મચારી હતા અને નિવૃત્તિ બાદ તેઓને પેન્શન મળતું હતું. પરંતુ પેન્શનરના પુત્ર મહેશ દવે તે મૂક-બધિર હોઈ જાતે કમાઈને પોતાનું ભરણ-પોષણ કરવા સક્ષમ ન હોવાથી પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેકટરના માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને તેમની કચેરીના સ્ટાફ તેમજ મહેશભાઈના ભત્રીજી રિદ્ધિ દવે દ્વારા સક્ષમ કક્ષાએ આ બાબતે યોગ્ય રજૂઆત કરાતાં ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ઠરાવથી અવસાન પામેલા નિવૃત સરકારી કર્મચારીના મૂક-બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર હોવાનું ઠરાવાયું છે. અગાઉ પેન્શનરનાં મૂંગા-બહેરા સંતાનો કે જેઓ આર્થિક પ્રવૃતિ કરી શકે તેમ હોઈ તેઓ ઉક્ત વ્યાખ્યામાં આવતા ન હતા. તેથી તેઓને અવસાન પામેલા નિવૃત સરકારી કર્મચારીના સંતાનોને મળવાપાત્ર આજીવન કુટુંબ પેન્શન મળતું ન હતું.