પ્રાગપર ચોકડી પાસે ટ્રકોના થપ્પા લાગ્યા

મુંદરા, તા. 20 : મુંદરા વ્યાવસાયિક ટ્રક એસોસિયેશન દ્વારા આર્ચિયન કંપનીમાંથી ઓવરલોડ મીઠું ભરીને આવતી ટ્રકોને ગઈકાલથી અટકાવવામાં આવી છે. પરિણામે પ્રાગપર ચોકડી રંગોલી હોટલ પાસે ટ્રકોના થપ્પા લાગી ગયા હતા. એસોસિયેશનના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આર્ચિયન કંપની દ્વારા હજારો ટન મીઠાંની નિકાસ મુંદરા બંદરેથી થાય છે. અને તેના પરિવહનમાં 750 જેટલી ટ્રકો ચાલે છે. તેમાં મુંદરા તા.ની 50 ટ્રકોનો સમાવેશ કરી નાખો તો અમને પણ રોજગારી મળી રહે. પરંતુ પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન આ માગણી સ્વીકારવા તૈયાર નથી. પરિણામે નાછૂટકે અમારે ચક્કાજામ કરવાની ફરજ પડી છે. દરેક ટ્રકમાં 5થી 7 ટન મીઠાનું ઓવરલોડિંગ થયું છે. જેથી આર.ટી.ઓ. તંત્રને એસોસિયેશનના સભ્યોએ જાણ કરી હતી અને આર.ટી.ઓ. તંત્રે પોલીસ રક્ષણ વગર સ્થળ ઉપર આવવાની ના પાડતાં તેમને પોલીસ રક્ષણ સાથે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસ તંત્ર અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને અંદાજે 30થી વધુ ચળવળકારીઓની અટક કરી પોલીસ લાવવામાં આવી હતી. આજે દિવસ દરમ્યાન પણ સમયાંતરે બબાલની ઘટનાઓ બનવા પામી હતી. ટ્રકોની લાંબી લાઈનો લાગી જવાથી પરિસ્થિતિ વિકટ બની હતી.